થોડા દિવસ પહેલા જ અફવા ઉડી હતી કે, ‘ધ કપિલ શર્મા શો’ બંધ થઈ જવાનો છે. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કપિલ અને ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને જે વિવાદ થયો હતો તેના કારણે કોમેડી કિંગના શોને જબરદસ્તી થોડા સમય માટે બંધ કરાવાઈ રહ્યો છે. અગાઉ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે, તેમની ફિલ્મની ટીમને ધ કપિલ શર્મા શોમાં પ્રમોશન માટે આમંત્રિત નથી કરવામાં આવી કારણકે કોઈ મોટા સ્ટાર્સ નથી.
જાેકે, કપિલ શર્માએ આ દાવાને ફગાવ્યો હતો. બાદમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ફિલ્મના એક્ટર અનુપમ ખેરે સ્વીકાર્યું હતું કે, તેમને ‘ધ કપિલ શર્મા શો’માં આમંત્રણ અપાયું હતું પણ તેમણે ના પાડી હતી. વિવાદ પર ઠંડું પાણી રેડવા બદલ કપિલે ટિ્વટ કરીને અનુપમ ખેરનો આભાર માન્યો હતો ત્યારે એક્ટરે જવાબ આપતાં લખ્યું હતું- ‘કાશ તે અર્ધસત્ય બતાવવાને બદલે આખો વિડીયો શેર કર્યો હોત.
જાેકે, આ શો સાથે જાેડાયેલા સૂત્રોનું કહેવું છે, “‘ધ કપિલ શર્મા શો’ બંધ થવાનો તેવી અફવાઓમાં માલ નથી. શોમાં ઓચિંતો બ્રેક લેવાનો કે તેને બંધ કરી દેવાનો કોઈ પ્લાન નથી. અમે સામાન્ય રીતે જેમ શૂટિંગ કરીએ છીએ તેમ જ કરી રહ્યા છીએ. હકીકતે, એપ્રિલના અંત સુધીના શૂટિંગ શિડ્યુલ નક્કી થઈ ગયા છે. જાેકે, આનો અર્થ એવો નથી કે બ્રેક નહીં આવે. જૂન મહિનામાં શો ટૂંકા બ્રેક પર જઈ શકે છે કારણકે તે મહિનામાં કપિલ ટૂર માટે યુએસ અને કેનેડા જવાનો છે.
આ દરમિયાનના એપિસોડ મળી રહે તે માટે ટીમ પૂરતી તૈયારી કરી રહી છે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. “અમે એપિસોડનો વધારાનો જથ્થો તૈયાર કરી રહ્યા છીએ જેથી જૂન મહિનામાં શોની કાસ્ટ ટૂર પર હશે ત્યારે તેને પ્રસારિત કરવામાં આવશે. એ સમય દરમિયાન શો ટૂંકા બ્રેક પર જઈ શકે છે કારણકે નવી સીઝનો વચ્ચે બ્રેક લેવાની કપિલને ટેવ છે. પરંતુ આ વાતની હજી પુષ્ટિ થઈ નથી”,
તેમ સૂત્રોએ ઉમેર્યું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કપિલ શર્મા બીજીવાર પિતા બન્યો પછી તેણે બ્રેક લીધો હતો. કપિલ શર્માના દીકરાનો જન્મ ફેબ્રુઆરી ૨૦૨૧માં થયો હતો. કપિલે ગર્લફ્રેન્ડ ગિન્નિ ચતરથ સાથે ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. કપલની દીકરીનો જન્મ ડિસેમ્બર ૨૦૧૯માં થયો હતો અને ૨૦૨૧માં તેઓ બીજીવાર પેરેન્ટ્સ બન્યા.