ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૨૨માં લેવામાં આવનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં ગત વર્ષે ધોરણ ૧૦ અને ૧૨નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. જેથી આ વખતે નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ ના હોવાથી પરીક્ષાર્થીઓની સંખ્યા ઘટી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ગત વર્ષે ૧૮ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જ્યારે આ વખતે ૧૫ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોવાની જાણકારી મળી છે.
સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવામાં આવનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં ફોર્મ ભરવાની મુદત ત્રણ દિવસ અગાઉ પૂરી થઈ હતી. જ્યારે ધોરણ ૧૨ સાયન્સમાં રવિવારના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધી ફોર્મ ભરાયા બાદ સમય પૂરો થયો હતો. આમ, હવે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તમામ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. બોર્ડની પરીક્ષા માટે આ વર્ષે અંદાજિત ૧૫ લાખ ફોર્મ ભરાયા છે. જ્યારે ગત વર્ષે બોર્ડની પરીક્ષા માટે અંદાજે ૧૮ લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આમ, એક જ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં તોતિંગ ૩ લાખ જેટલો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળે છે. આ વખતે સમગ્ર રાજ્યમાંથી ધોરણ ૧૦ માટે ૯.૭૦ લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪.૨૨ લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા અને વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હોવાનો અંદાજાે છે. ગત વર્ષની વાત કરીએ તો, ધોરણ ૧૦માં ૧૧ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જ્યારે સાયન્સમાં દોઝ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ હતા. આમ, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખૂબ ઓછા ફોર્મ ભરાયા હોવાની ચાડી આંકડાઓ ખાય છે.
આ જંગી ઘટાડા પાછળ ગત વર્ષનું પરિણામ જવાબદાર હોવાનું જાણવા મળે છે. ગત વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાતાં ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. જેના લીધે આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ગત વર્ષે પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી આ વખતે રિપીટર વિદ્યાર્થીઓ નથી. જેના કારણે ફોર્મ ઓછા ભરાયા છે. દર વર્ષે સરેરાશ ૧૫ લાખ જેટલા નિયમિત અને ૩ લાખ જેટલા રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાતા હોય છે. જાેકે, આ વર્ષે ગત વર્ષના રિપીટર વિદ્યાર્થીઓ ના હોવાથી ફોર્મ ઓછા ભરાયા છે. જાેકે, તે પહેલાના વર્ષોના રિપીટર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે પરંતુ તેમની સંખ્યા નહીવત્ પ્રમાણમાં છે. આમ, આ વખતે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.