ચોમાસુ શરૂ થતા જ રાજ્યભરમા રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડતી હોય છે. તંત્રની આ કામગીરીને કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળતો હોય છે. હાલમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચથી. અહી રસ્તાઓ પર પડેલા ઠેર-ઠેર ખાડાઓના કારણે એક અકસ્માત થયો છે જેમા તલાટી સહિત 3 અન્ય લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક તલાટી મહિલા સહિત એકજ પરિવારના ત્રણ લોકોએ આ રસ્તા પરના ખાડાના કારણે જીવ ગુમાવ્યો છે. અહી કારચાલક ખાડાથી બચવા જતા કાર ડેમના પાણીમાં પડી ગઈ હતી. હવે આ ઘટના બાદ લોકોમા તંત્ર પ્રત્યે ભારે રોષ છે. દરવર્ષે વરસાદ બાદ કેમ આવી સ્થિતિ સર્જાય છે? તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.
બીજી તરફ આવી પરિસ્થિતિથી કંટાળી ગયેલા અરવલ્લીના બાયડના બાદરપુરા ગામના લોકોએ આ સમસ્યા પર અવાજ ઉઠાવ્યો છે. અહી લોકોએ રસ્તાને લઈને આંદોલન શરૂ કર્યુ છે. મળતી માહિતી મુજબ ગ્રામજનોએ પાણીમાં બેસી ખરાબ રસ્તાને લઇ રામધૂન બોલી રહ્યા છે. લોકોનુ કહેવુ છે કે છેલ્લા 40 વર્ષથી બાદરપુરા, રામપુરા કંપા અને કાનજીપુરાનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આમ છ્તા પણ તંત્ર કાન આડા હાથ કરી રહ્યુ છે. ગ્રામજનો અનેક વખત તંત્રને આ મામલે રજૂઆત પણ કરી છે. હવે નારાજ ગ્રામજનોએ તો જો સારો રસ્તો તૈયાર નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી દીધી છે.