Gujarati News:અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ વર્ષે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37 હજાર આહીરાણીઓ દ્વારા આગામી ડિસેમ્બર માસની 23 તથા 24મી તારીખે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરશે. વિશાળ સંખ્યામાં આહીરાણીઓ રાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે. 8 બહેનોના સભ્યથી સંગઠનની શરૂઆત થઈ મહારાસના આયોજન માટે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમ્યાં હતાં અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ.
37,000 બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
આહીરાણી મહારાસ યોજવા માટેની શરૂઆત થઈ હતી અને સોશિયલ મીડિયા થકી બહેનો જોડાતા ગયાં હતા. અખીલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, દ્વારકા ખાતે 16,108 અહીરાણીઓનો મહારાસ યોજવામાં આવે અને તે માટે ગુજરાતના તમામ જિલ્લાને જોડવાનું કામ શરૂ કર્યું. દરેક જિલ્લાના વોટ્સએપ ગ્રૂપ બનાવી જિલ્લાને જોડવામાં આવ્યા અને દરેક જિલ્લાએ દરેક તાલુકાનું ગ્રૂપ બનાવી ગામડાની આહીરાણી બહેનોને મહારાસમાં જોડવા માટેનું કાર્ય કર્યુ હતું. આમ ધીરે-ધીરે કરતા ગુજરાતના 24 જિલ્લાની બહેનોએ મહારાસ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું.
પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ
આહીરાણી મહારાસમાં પધારવા માટે પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણો કરવામાં આવી છે. દ્વારકાના તમામ મંદિરો જેમાં મુખ્ય મંદિર,રુક્મિણી મંદિર, બેટ દ્વારકામાં ભગવાનની તમામ પટરાણીઓ, શક્તિ મંદિર, ભાલકા તીર્થ, સોમનાથ મંદિર, હરસિદ્ધિ માતાજીના મંદિર, ગોપેશ્વર મંદિર, વ્રજવાણી મંદિર સહિત તમામ જિલ્લાનાં કૃષ્ણ મંદિરે કંકોત્રી આપવામાં આવી છે.
વિશ્વભરની આહીર બહેનો રમશે રાસ
આહીરાણી મહારાસ માટે માત્ર ગજરાત જ નહીં પણ ગુજરાત બહાર મુંબઈ, દિલ્લી, યુ.પી અને બિહાર એમ અનેક રાજ્યની બહેનોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત મહારાસ માટે ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશમાં વસેલાં આહીર બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોત જોતામાં 16,108ના લક્ષ્યાંકની સામે 37,000 આહીરાણી બહેનો મહારાસમાં જોડાઈ હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેઓ પણ આગામી 24મી ડિસેમ્બરે દ્વારકા ખાતે મહારાસમાં ભાગ લેવા પહોંચશે.
મહારાસ યોજવાનો વિચાર કઈ રીતે આવ્યો
ભગવાન ગોકુળ-મથુરા છોડીને દ્વારકા આવ્યા ત્યારે સાથે તેમની સંસ્કૃતિ અને રાસ લઈને આવ્યા હતા. તે રાસ અધૂરા રહ્યા હતા. વ્રજના રાસમાં ગોપીઓને અહંકાર આવ્યો અને તે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ભગવાન શિવને પણ રાસ અતિપ્રિય હતા અને તેઓ પણ રાસ જોવા માટે ગયા હતા. નરસિંહ મહેતાએ જ્યારે પ્રભુને પૂછ્યું કે તમને સૌથી વધુ શું પ્રિય છે ત્યારે ભાવનગરના ગોપેશ્વર મંદિરે ભગવાને રાસનાં દર્શન કરાવ્યાં હતાં. ત્યારે વિચાર આવ્યો કે આપણે યાદવ કુળમાંથી છીએ અને આપણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ રમ્યા હતા. ત્યારે હવે ફરી દ્વારકાના આંગણે ભગવાન સાથે રાસ રમવા માટેનો વિચાર મૂક્યો હતો. બાદમાં સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરી બહેનોને જોડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. ધીરે-ધીરે બહેનો જોડાતી ગઈ અને પવિત્ર વાતાવરણ ઊભું થયું. હાલમાં સોશિયલ મીડિયાના મોબાઈલ યજ્ઞ બની ગયા છે.
મહારાસ અગાઉ દેશભરમાં ડેમોસ્ટ્રેશન યોજાયાં દ્વારકા ખાતે યોજાનાર મહારાસ માટે શું વ્યવસ્થા હશે અને કયા લયમાં રાસ રમવામાં આવશે તેના માર્ગદર્શન માટે ગુજરાતના 24 જિલ્લામાં 40 જેટલા ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઠ, રાજકોટ, કચ્છ, મોરબી, ગીર-સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, વલસાડ, વાપી, સેલવાસ, રાધનપુર, પાલનપુર અને પાટણ ખાતે ડેમો યોજાયા હતા.
દ્વારકામાં કયા સ્થળે યોજાશે મહારાસ
દ્વારકા અને રુક્મિણી મંદિરને જોડતી જગ્યાએ આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. એવી પણ એક વાયકા છે કે ભગવાન સાથે રાસ રમવાની રુક્મિણી માતાજીની પણ ઈચ્છા હતી. બીજી એ પણ વાયકા છે કે દ્વારકાથી રિસાઈને રુક્મિણી માતા અહીં આવ્યાં હતાં. જેથી આ મહારાસ તેના મનમણાં પણ હોઈ શકે છે. આ ઉપરાંત દ્વારકા શહેરમાં આટલું મોટું આયોજન કરવું શક્ય નથી. આ કારણોસર આ સ્થળની મહારસ માટે પસંદગી કરવામાં આવી છે.
800 વીઘા જમીનમાં ભવ્ય મહારાસ
દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલ રુક્મિણી મંદિરની બાજુમાં આહીર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાની જમીન પર આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
રહેવાની સુવિધા શું હશે?
હજાર બહેનોને રહેવા માટે દ્વારકાની તમામ ધર્મશાળાઓ, દરેક સમાજની સમાજવાડી, હોટલો હાલ બુક કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં રહેવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે. મહારાસ જોવા આવનાર લોકો માટે પણ રહેવાની સુવિધા ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે. કેટલાક લોકોએ જાતે જ હોટલ બુક કરાવી સ્વયં રહેવાની વ્યવસ્થા અગાઉ કરી લીધી છે.
37 હજાર બહેનો દ્વારકા કેવી રીતે પહોંચશે
આહીરાણી મહારાસ માટે દ્વારકા ખાતે પહોંચવા માટે દરેક જિલ્લામાંથી સ્થાનિકોએ બસની સુવિધા કરી છે. તાલુકામાં કોઈ એક સ્થળેથી બસ ઊપડશે અને ત્યાંથી સૌ એકસાથે દ્વારકા મહારાસ રમવા માટે પ્રયાણ કરશે. આ ઉપરાંત મુંબઈ, દિલ્લી, યુ.પી, બિહાર, ઝારખંડથી બહેનો રાસ રમવા દ્વારકા પહોંચશે. ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશથી બહેનો દ્વારકા ખાતે પધારશે. તેઓએ વીડિયો બનાવી મહારાસ માટે શુભેચ્છાઓ પાઠવી ફાળો પણ આપ્યો છે.
6 મહિના અગાઉ જ શરૂ થઈ ગયો મહારાસ
ગોપીઓ જેમ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ભાન ભૂલી જતી હતી તેમ અત્યારે આહીરાણી બહેનો પણ મહારસને લઈ ભાન ભૂલી ગઈ છે. છેલ્લા 6 મહિનામાં એવા અનેક બનાવો બન્યા છે કે બહેનો રસોઈ બનાવી રહી હોય અને રસોઈ બળી જાય, ફ્રિજમાં ફોન મુકાઈ જાય અને ઘરનાં બધાં કામ ભૂલી ગઈ હોય તેવા અનેક અનુભવો થયા છે. આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી આત્મશુદ્ધિ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દરરોજ ગીતાજીના શ્લોક બોલવામાં આવી રહ્યા છે.
લાલ રંગની નવલખી ઓઢણી ઓઢી આહીરાણીઓ રાસ રમશે
શ્રી કૃષ્ણે તેમની પટરાણીઓ, ગોપીઓ, સખીઓ સંગે રાસ રમ્યો હતો. તે રાસને 5 હજાર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે ફરીથી ભગવાનને તે યાદ અપાવવા માટે તેમને સમર્પિત થઈ આહીરાણીઓ દ્વારકા ખાતે રાસ રમશે. આહીર સમાજની પરંપરા મુજબ શ્રી કૃષ્ણની યાદમાં બહેનો કાળાં વસ્ત્રો ઘારણ કરે છે, પરંતુ ભગવાનના સ્વાગત માટે આહીર બહેનો લાલ રંગની નવલખી ઓઢણી ઓઢી રાસ રમશે. શ્રી કૃષ્ણે વચન આપેલું છે કે યદુકુળના દેગે અને તેગે હું ઊભો રહીશ. જેથી આહીર બહેનોને વિશ્વાસ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા ખાતે રાસ રમવા જરૂર આવશે.
સતત દોઢ કલાક રાસ રમવામાં આવશે
સવારે બ્રહ્મમુહૂર્તમાં બહેનો નંદધામ પરિસરમાં આવી અને મેદાન ગોઠવાશે. ભગવાનને બોલવવા હોય તો મન શુદ્ધ હોવું જરૂરી છે. તે માટે ‘ગીતા સંદેશ’ અને ‘નારી તું નારાયણી’ પર સંદેશ આપવામાં આવશે. ત્યારબાદ પરિસરમાં ધૂપદીપ કરી ભગવાનને રાસ રમવા માટે પધરાવા આહ્વાન કરાશે. સવારે 08:30 વાગ્યે પારંપરિક આહીર રાસ શરૂ થશે અને 10 વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે.
‘તમે રમવા આવોને મહારાસ’
અમદાવાદમાં AMTSના મુસાફરોને હવે મળશે ACનો લાભ, AMCએ 100 એસી AMTS બસો દોડાવવાનો લીધો નિર્ણય
GPSSBના નિયમોમાં મોટો ફેરફાર, તલાટીની પરીક્ષામાં હવે સ્નાતક ફરજીયાત
ડુંગળી ઉગાડતા ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર ખરીદશે 2 લાખ ટન વધુ ડુંગળી, આજે જ કરો નોંધણી
માયાભાઈ આહીર અને માલદેભાઈ આહીર સમગ્ર આયોજનનું સંકલન કરશે. સમાજના અન્ય કલાકારો તેમની સાથે મદદમાં જોડશે. મહારાસ માટે ‘તમે રમવા આવોને મહારાસ’ જેવા અનેક ગીત પણ લખવામાં આવ્યાં છે. બહેનો કરશે સમગ્ર આયોજનનું સંચાલન આહીરાણી મહારાસની શરૂઆતથી કરી અંત સુધીના તમામ કાર્યક્રમ સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. ઓનાલાઈન રજિસ્ટ્રેશનથી કરી પૂર્ણાહુતિ સુધીના આયોજનની રૂપરેખા બહેનોએ સાથે મળીને નક્કી કરી છે. બહેનોના હાથે જ મહારાસના સ્થળનું ભૂમિપૂજન કરાયું, ભગવાનને કંકોત્રી અર્પણ કરાઈ તેમજ શોભાયાત્રા યોજવામાં આવી.