ફેટ ઈઝ નોટ ફિટ. આ વાક્ય તમે સાંભળ્યું જ હશે, પરંતુ કોરોના વાયરસના દર્દીઓ માટે તે વધારે લાગુ પડે છે. કોરોનાનો શિકાર બનેલા દર્દીઓમાં ડાયાબિટિસ અને હાયપર ટેન્શનની બીમારી પણ મોટા પ્રમાણમાં જાેવા મળતી હોય છે, પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જાે દર્દીઓ મેદસ્વીતાનો પણ શિકાર હોય અથવા સામાન્ય કરતા વધારે વજન ધરાવતા હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે અને અન્ય દર્દીઓ કરતા તેમની સારવાર થોડી લાંબી ચાલે છે. અમદાવાદ શહેરના એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિનેષ મેહતા જણાવે છે કે, કોરોનાની આ ત્રીજી લહેર દરમિયાન જાેવા મળ્યું કે જેટલા દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી છે તેમાંથી અડધા દર્દીઓ એવા છે જેઓ મેદસ્વીતાનો શિકાર હોય અથવા તેમનું વજન સામાન્ય કરતા વધારે હોય. આપણા નાગરિકોમાં ડાયાબિટિસ અને હાયપરટેન્શનના દર્દીઓ મોટાભાગે મેદસ્વીતાનો શિકાર બનતા હોય છે.
પરંતુ આપણે જાે કોરોનાની બીજી લહેર સાથે સરખામણી કરીએ તો અત્યારે સ્થિતિ અલગ છે. બીજી લહેર દરમિયાન, મેદસ્વીતા ધરાવતા યુવાનોને મોટાભાગે ઓક્સિજન સપોર્ટની જરુર પડતી હતી. પરંતુ અત્યારે, મોટાભાગના દર્દીઓ જેમની ઉંમર ૫૦ વર્ષથી વધારે છે અને મેદસ્વીતાનો શિકાર છે, તેમણે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. ઈન્ટરનલ મેડિકલ એક્સપર્ટ ડોક્ટર મનોજ વિઠલાણી જણાવે છે કે, આ લહેર દરમિયાન એકંદરે હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યા ઓછી છે. માટે આપણે સમજવાની જરુર છે કે, જે દર્દી કો-મોર્બિડિટી ધરાવે છે, એટલે કે શરીરમાં કોરોના સિવાય પણ અન્ય બીમારીઓ હોય તો તેણે ડોક્ટરની સલાહ લઈને દાખલ થવાની જરૂર છે.
મેદસ્વીતા એક રિસ્ક ફેક્ટર છે. મેદસ્વીતાને કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. મોટાભાગે મેદસ્વીતાનું કારણ અન્ય બીમારી હોય છે. શહેરના એક ક્રિટિકલ કેસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમિત પ્રજાપતિ જણાવે છે કે, એવુ નથી કે મેદસ્વીતા ધરાવતા લોકો હોસ્પિટલમાં વધારે આવે છે, આ સ્થિતિને સારવારના સંદર્ભમાં જાેવી જાેઈએ. હું એમ નહીં કહું કે કોઈ વ્યક્તિને મેદસ્વીતાને કારણે કોરોના વધારે પ્રભાવિત કરે છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય, મેદસ્વીતા હોય, તો ફેફસાની ક્ષમતા ઘટી જાય છે અને રિકવર થવામાં પણ સમય લાગે છે. અન્ય એક ડોક્ટર અનિષ જાેશી જણાવે છે કે, જે દર્દીઓએ લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી તેમાંથી અડધા દર્દીઓ કો-મોર્બિડિટીનો શિકાર હતા અને મેદસ્વીતા તેમાંથી એક હતી. જે દર્દીઓ કિડનીની બીમારીનો શિકાર હોય અથવા ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમને પણ સારવારમાં સમય લાગે છે.
ડોક્ટર વિવેક દવે જણાવે છે કે, કોરોનાની આ લહેર દરમિયાન તમામ ઉંમરના દર્દીઓ માટે મેદસ્વીતા રિસ્ક ફેક્ટર હતી. પરંતુ આ વખતે સારી વાત એ છે કે ઘણાં ઓછા લોકોએ હોસ્પિટલમાં દાખલ થવુ પડે છે અને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. પરંતુ કો-મોર્બિડિટી ધરાવતા દર્દીઓની અમારે ખાસ દેખરેખ રાખવી પડે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શનિવારના રોજ ૧૧૭૯૪ નવા કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યા અત્યારે ૯૮૦૦૦ છે. જાે કે શુક્રવારના રોજ ૩૦ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. અને શનિવારના રોજ આ સંખ્યા વધીને ૩૩ થઈ હતી.