આદિવાસી વિસ્તારની શાળાના ધોરણ 8માં અભ્યાસ કરતા છોકરાએ લખી ચોટદાર વાર્તા, વાંચીને કહેશો- અદ્ભૂત, અકલ્પનીય, અસાધારણ…

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

લેખક -રાહુલભાઈ દેવસિગભાઈ વસાવા‌. ( ધોરણ -૮ )

આજોલી નામનું એક ગામ હતું. ગામની બહાર વહેતી નાનકડી નદીનાં કિનારે મહાકાળી માતાનું એક સુંદર મંદિર હતું. મંદિરના પૂજારી રાજુ મહારાજ એક ગરીબ બ્રાહ્મણ હતા. જે મંદિર પાસે જ આવેલા તેના નાનકડા ઘરમાં પોતાની પત્ની સાથે રહેતા હતા. તેને એક દિકરો પણ હતો. જેનું નામ વિકાસ હતું. ગામમાં ૧થી ૮ ધોરણની જ શાળા હતી એટલે તે નજીકના શહેરમાં હોસ્ટેલમાં રહી ૯માં ધોરણનો અભ્યાસ કરતો હતો. મહિનાના એકાદ શનિ-રવિ વારે અથવા વેકેશનમાં જ તે ગામડે આવતો.
રાજુ મહારાજ મંદિરમાં સવાર-સાંજ આરતી કરતા અને મંદિરની સાફસફાઈ પણ તે જ કરતાં, મંદિરની આસપાસ થોડો પણ કચરો થવા ના દે. પણ ગામલોકો મોટા પ્રમાણમાં મંદિરમાં દર્શનાર્થે આવતા અને અહીં તહીં કચરો નાંખી દેતાં એટલે તેઓ સફાઈ કરતાં રહેતાં છતાં થોડા જ દિવસોમાં ફરી ગંદકી થઈ જતી. જે રાજુ મહારાજને બિલકુલ ન ગમતું. તેઓ ગામલોકોને ગંદકી ન કરવા ઘણું સમજાવતા. કચરો ન નાખવા કહી કહીને થાક્યાં પણ કોઈ તેમની વાત માનતું નહોતું. એટલે રાજુ મહારાજ ખૂબ દુઃખી રહેતાં.
ઉનાળુ વેકેશનની રજાઓમાં વિકાસ પોતાના ઘરે આવ્યો. ત્યારે પોતાના પિતાજીને દુઃખી જોઇ તેણે તેમને પૂછ્યું “શું થયું, પિતાજી? કેમ આટલા દુઃખી દેખાવ છો?” મહારાજે બધી વાત તેને કહી, પિતાજીની વાત સાંભળીને વિકાસ ત્યાંથી જતો રહ્યો, પણ તેના મનમાં સતત આ સમસ્યાને દૂર કરવા માટેનાં વિચારો ચાલતા રહે છે.
બીજા દિવસે વહેલી સવારે વિકાસ ગામમાં રહેતા પોતાના મિત્રોને મળ્યો અને બધા મિત્રોએ ભેગાં મળીને થોડાં પૈસા ભેગા કર્યાં. આ પૈસામાંથી વિકાસ કચરાપેટી, સાવરણો, કોદાળી,પંજેઠી, જેવા સાફસફાઈનાં સાધનો લાવ્યો અને બધા મિત્રો મંદિરની આસપાસની જગ્યા સાફ કરવા લાગ્યા. આવતા-જતા લોકો વિકાસ અને તેના મિત્રોની હાંસી ઉડાવતા અને કહેતા કે “તમે આ બંધુ શું કામ કરો છો? અહીં તો રોજ કેટલાય લોકો આવે છે એટલે ગંદકી તો રહેવાની જ!” ત્યારે વિકાસે તેમને જવાબ આપતાં કહેતો “રાત્રે મહાકાળી માતા મારા સપનામાં આવ્યાં હતાં. તેમણે મને કહ્યું કે “મંદિર અને મંદિરની આસપાસ સફાઈ કરીશ તો તું પરિક્ષામાં જરૂર પાસ થઈશ સાથે મારી વાત માનનારની દરેકની ઇચ્છા પણ હું પૂરી કરીશ.” થોડાં દિવસો પછી વિકાસનું રિઝલ્ટ આવ્યું તો વિકાસ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયો.
ગામલોકોને વિશ્વાસ થઈ ગયો કે માતાજીની વાત માનવાથી તેમના પણ કામ થઈ જશે. ગામલોકો મંદિરને એકદમ ચોખ્ખું રાખવા લાગ્યા સાથે સાથે આખું ગામ પણ હવે સ્વચ્છ રાખવા લાગ્યા. ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું. ગંદકી દૂર થતાં જ ગામલોકો પણ એકદમ નિરોગી રહેવા લાગ્યાં.
ગામના સરપંચને આખી વાતની જાણ થતાં તેને વિકાસની ચતુરાઈ સમજાઈ ગઈ. વિકાસની બુધ્ધિ પર તેમને માન થયું. રાજુ મહારાજ અને વિકાસને તેમણે પુરસ્કાર આપી સન્માનિત કર્યાં ત્યારબાદ આખાં આજોલી ગામમાં સ્વચ્છતા અને હરિયાળી કાયમ માટે લહેરાઈ રહી.

આ વાર્તા આજોલી પ્રાથમિક શાળામાં ભણતા ધોરણ ૮ના વિધાર્થી એ લખેલ છે, જે વાર્તા લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ હતી.


Share this Article