ભાસ્કર વૈદ્ય (સોમનાથ )
ગીર સોમનાથ જિલ્લામાં અભયમ 181 હેલ્પલાઇન મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પારિવારિક, માનસિક, શારીરિક, આર્થિક કે જાતીય પ્રશ્નનોના નિવારણ માટે વર્ષ-2021માં 2685 જેટલી મહિલાઓને અભયમ્ 181 હેલ્પલાઇનના માધ્યમ દ્વારા સહાયતા પોહચડવામાં આવી છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહવિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પલાઇન છેલ્લા વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન, અને સુરક્ષા પુરી પાડવા માટે મહત્વપૂર્ણ સેવા સાબિત થઈ છે. GVK emri દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે 181 હેલ્પલાઇન કોઈપણ મહિલાને માનસિક, શારિરીક, આર્થિક કે જાતીય પ્રશ્નો તુરંત હલ કરવા માટે મદદગાર બની રહી છે.
તાલીમ લીધેલ મહિલા કાઉન્સેલર દ્વારા મહિલાઓનું ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરીને અનેક બિનજરૂરી વિવાદના કેસોમાં શાંતિપૂર્ણ સમાધાન કાઢવામાં આવે છે. હિંસાનો ભોગ બનેલી મહિલાઓને પોલીસ ફરિયાદ નોંધાવા, રહેવા-સુરક્ષાની સુવિધાઓ,કિશોરીઓ,યુવતીઓ, પરણીત મહિલાઓને, વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બિનજરૂરી કૉલ મેસેજ, કામના સ્થળે જાતીય સતામણી, લગ્નેતર સંબંધો, માનસિક અસ્વસ્થતા જેવા મહિલાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવા અભયમ 181 હેલ્પલાઇન કાર્ય કરે છે.
વર્ષ 2021 દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં ૨૬૮૫ મહિલાઓએ મદદ માર્ગદર્શન અને બચાવ માટે કૉલ કર્યા હતા જેમાં ટેલિફોનિક કાઉન્સિલિંગ દ્વારા 2094 તેમજ 591 કેસમાં સ્થળ પર જઈને મદદ કરવામાં આવી હતી. 372 જેટલા કેસમાં સમાધાન અને 188 કેસોમાં પોલીસ ફરિયાદ કરાવવામાં આવી છે. આમ, મહિલા હેલ્પલાઇન દ્વારા વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.