હર્ષ બારોટ ( અમદાવાદ ): અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મંગળવારે રાત્રે વર્ષો જૂની બિલ્ડિંગ પરમાર એસ્ટેડ ધરાશાયી થઈ. ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી. બિલ્ડિંગ ધરાશાયી દુર્ધટના બાદ તંત્ર અને સ્થાનિક આમને-સામને જોવા મળી રહ્યાં છે. કારણ કે એક તરફ સ્થાનિકોને લાખોનું નુકસાન વેઠવું પડ્યું તો આ તરફ તંત્રના અધિકારીઓ જવાબ આપવામાંથી પણ ખાડે ગયા છે!
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ પરમાર એસ્ટેડ નામની બિલ્ડિંગ મંગળવારની રાત્રે અચાનક જ ધરાશાયી થતાં હાહાકાર મચી ગયો હતો. લોકો અડધી રાત્રે દોડાદોડી કરવા માટે મજબૂર થયા હતા. એ વિસ્તારમાં રહેતા સ્થાનિકોના મતે ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી. પરંતુ તંત્ર તરફથી અમને કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. તો વળી ઘણા દુકાનદારોએ તો લાખો રૂપિયાની નવી વસ્તુઓ પણ વસાવી હતી કે જેમાંથી હવે તેઓને હાથ ધોઈ બેસવાનો વારો આવ્યો છે.
બિલ્ડિંગ ધરાશાયી દુર્ધટના બાદની વાત કરવામાં આવે તો બિલ્ડિંગમાં દુકાન ચલાવતાં વેપારીઓમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. આ દુર્ધટનામાં કોઈની જાનહાનિ નથી થઈ પણ દુકાન ચલાવતાં વેપારીઓને આ ઘટનાથી મોટું નુક્સાન થયું છે.
વિસ્તારના સ્થાનિકોના મતે બિલ્ડિંગની જર્જરિત હાલતને જોઈને લોકો પહેલાથી જ ભયમાં હતાં પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી લોકોને આપવામાં આવી નથી. તો તંત્રનું કહેવું છે કે અમે નોટિસ આપી હતી. આ દુર્ધટનામાં કૃષ્ણડેરી, બહુચર આર્ટ, ઓમકાર મોબાઈલ, ક્રિષ્ણા નાસતા હાઉસ, બજરંગ મોબાઈલ જેવી દુકાનોનું અંદાજે 2 થી 3 લાખ સુધીનું નુકશાન થયું છે.
મિચોંગ વાવાઝોડું ગુજરાતને પણ નહીં છોડે, અંબાલાલની આગાહી થતાં જ ફફડાટ, જેની બીક હતી આખરે એ જ થયું!!
આ બાબતે તંત્રને જાણ કરતાં તેઓના મોં પર તાળા લાગી ગયા હતા. જ્યારે કોર્પોરેટર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી આ બાબતે વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો તો ગોળ-ગોળ વાતો કરીને પોતાનો લૂલો બચાવ કરતાં જોવા મળ્યા હતા.