Lok Patrika Special: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય કલાકારો એવા છે કે જેમના કોઈ ગોડફાધર નથી. પોતાની જાત મહેનત જ એટલી દમદાર તાકાત બતાવે કે વિશ્વ ફલક પર જળહળતા થઈ જાય. સફળતાની દિશામાં જો આગળ વધવું હોય તો તમારે મહેનતની સાથે સાથે સાહસને પણ એટલું જ મહત્વ આપવું પડે. દુનિયાથી અને ભીડથી અલગ પોતાનો ચિલો ચીતરીને કંઈક કરી બતાવવાનું જૂનુન જ લોકોને બીજા લોકો કરતાં અલગ પાડતું હોય છે. આજે ગુજરાતી સિનેમાના એક એવા જ એક્ટર વિશે વાત કરવી છે કે જેઓ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. સાથે જ તેઓને બોલિવૂડ પ્રત્યે એકદમ પોતીકો લગાવ છે અને ભવિષ્યમાં બોલિવૂડના પડદે પણ ચમકે તો નવાઈ નહીં, કારણ કે એમની મહેનત અને સફળતા જોઈને લાગે છે કે ગુજરાતનું આ ગૌરવ બોલિવૂડમાં પણ લાંબી રેસનો ઘોડો થઈ શકે છે એમ છે. આ વાત છે આવનાર ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટમાં રોલ કરનાર સત્યા પટેલની. તો આવો જાણીએ સત્યા પટેલનો સંઘર્ષ, એમની સફળતા, એમનો ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યેનો લગાવ અને બીજી જીવનની ઘણી અવનવી વાતો…
અભિનેતા સત્યા પટેલનો જન્મ આમ તો મહારાષ્ટ્રમાં થયો. એમનું ભણવાનું અને નોકરી પણ મહારાષ્ટ્રમાં થયું. પરંતુ આજે દુનિયા એમને જે એક્ટિંગના પેશનથી ઓળખે છે એની શરૂઆત ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાથી થઈ અને હાલમાં પણ વડોદરા ખાતે રહીને જ તેઓ પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. તેઓનો અભ્યાસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જ ડિપ્લોમાં મિકેનીકલ એન્જીનીયર કરેલું છે. ત્યારબાદ તેમનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે નોકરી પણ કરી.
પરિવારમાં પિતા મુકેશભાઈ પટેલ ટોબેકોનો બિઝનેસ કરતાં હતાં. ઘરમાં 3 બહેનો પણ હતી. આખા ઘરનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરીને આર્થિક રીતે પરિવારને ટેકો કરતા હતા. પરંતુ દરરોજ સાંજે સુવા સમયે વિચાર આવતો કે મારું પેશન કંઈક અલગ છે અને હું કામ કંઈક અલગ કરું છું. સંતોષ નામની વસ્તુ જીવનમાં નહોતી. સત્યા પટેલ કહે છે કે પછી આખરે 2016માં મોડેલિંગથી મે મારા પેશનની દુનિયામાં પા પા પગલી કરી ધીરે ધીરે મોડલિંગની સીડીના પગથિયાં ચઢતાં ચઢતાં તેઓ એકટિંગ સુધી પહોંચ્યા. માત્ર પહોચ્યાં એટલું જ નહીં પણ એવી દિલથી મહેનત કરી કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જે એવોર્ડ લેવા માટેનું સપનું હોય એવો દાદાસાહેબ ફાળકે ઈન્ડિયન ટેલિવીઝન અવોર્ડ 2023 એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો.
2023નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પોતાના નામે કરવા માટે સત્યા પટેલે અનેક રીતે મહેનત કરી. પોતાના સંઘર્ષ વિશે તેઓ વાત કરે છે કે સૌથી પહેલા તો પરિવારને મનાવવા પડે કે હું આ ફીલ્ડમાં કરિયર બનાવવા માંગુ છું. મને મારી બહેન બધી રીતે મદદ કરતી અને સપોર્ટ કરતી. પરંતુ પિતાને મનાવવા માટે થોડો સમય લાગ્યો. ત્યારબાદ સૌથી મોટી વાત આવે પૈસાની રીતે મેનેજમેન્ટ કરવું. માટે મે પહેલાથી જ એટલી બચત રાખી હતી કે મારા ઘરેથી પૈસા માંગવા ન પડે. ત્યારબાદ મે ઘણી વસ્તુનો અનુભવ કર્યો, ઘણું મારી જાતે જ શીખ્યો. મે ક્યારેય કોઈ ટ્યુશન ક્લાસિસ નથી કર્યા. કારણ કે અભિનય એ કુદરતી છે અને કુદરતી રીતે જ બહાર નીકળે તો પરિણામ સારું આવે. ત્યારબાદ મોડલિંગ મ્યુઝિક વિડિયો, વેબ સિરીઝ, ફિલ્મો વગેરે ક્ષેત્રમાં કામ કરતો ગયો.
સત્યા પટેલના એક્ટિંગ ક્ષેત્રના યોગદાન વિશે વાત કરીએ તો અનેક મોડેલિંગ કંપનીમાં કામ કર્યું. ત્રણ હિન્દી વેબસીરીઝ અત્યંત, બ્લેક સાડી, ફ્રી બર્ડ માં રોલ નિભાવ્યો છે. ગુજરાતીમાં પણ 3 ફિલ્મો પુરી કરી લીધી છે અને કનુભાઈ ધ ગ્રેટ એ એમની ચોથી ફિલ્મ છે. તેમજ હાલમાં પણ એક ફિલ્મનું શુટિંગ શરૂ છે. તેઓ મુળ ગુજરાતી છે. પણ મહારાષ્ટ્ર એમની જન્મભુમિ હોવાને કારણે તેઓની હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષા પર સારું એવું પ્રભુત્વ છે.
કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મ વિશે તેઓ વાત કરે છે કે આ ફિલ્મ પછી મારા જીવનમાં ઘણું બદલાયું છે. મારી દુનિયા જોવાની રીત અને મને દુનિયા જુએ છે એ રીત પણ ઘણી બદલાઈ છે. કનુભાઈના જીવન પર આધારિત આ ફિલ્મમાં સત્યા પટેલ કામ કરવાને એક જીવનભરની યાદગાર ક્ષણ માને છે. સત્યા પટેલ કહે છે કે જ્યારે મે પ્રોડ્યુસર પાસેથી કનુભાઈ વિશે જાણ્યું ત્યારે હું અંદરથી હચમચી ગયો કે એક એવો માણસ કે જેમનું શરીર કામ નથી કરતું એ આટલું બધું કામ કઈ રીતે કરી શકે.
આજે આપણે કોઈપણ જગ્યાએ મુસાફરી કરીએ તો એક બોર્ડ જોવા મળે કે આ દિવ્યાંગો માટે રિઝર્વ છે. જો આ સુવિધા કોઈને દૈન હોય તો એ કનુભાઈ છે. આવા માણસના જીવન પર જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે કામ કરવાની કોણ ના પાડી શકે. આગામી 15 ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની સ્ટોરી, જનતાનો પ્રેમ અને કનુભાઈનો સંઘર્ષ જોઈને મને વિશ્વાસ છે કે આ ફિલ્મ નક્કી એવોર્ડ જીતીને આવશે અને લોકોના જીવનમાં દિવ્યાંગ પ્રત્યેનો નજરિયો જ બદલી જશે.
એવોર્ડ વિજેતા એક્ટર સત્યા પટેલ ઈન્ડસ્ટ્રીમાં આવવા માંગતા યુવાન યુવતીઓને સલાહ આપે છે કે એક્ટિંગ માટે ક્લાસ કરવા કરતાં 1. આત્મવિશ્વાસ 2. ધીરજ અને 3. સમર્પણની સૌથી વધારે જરૂર છે. તેઓને ફિલ્મજગતગુરુ એવા અમિતાબ બચ્ચનની જેમ જ છેલ્લા શ્વાસ સુધી કામ કરવું છે. તેઓની ઈચ્છા છે કે મારું તો મૃત્યુ પણ શુટીંગના સેટ પર જ થાય તો મને સ્વર્ગ મળવા જેવી અનુભુતિ થશે. સત્યા પટેલ કહે છે કે મારી એક એવી પણ ઈચ્છા છે કે જો હું બોલિવૂડમાં જઉ તો આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, વિકી કૌશલ અને કાર્તિક આર્યન જેવા કલાકારો સાથે કામ કરવું છે. કારણ કે આ કલાકારોના ફિલ્મ જગતમાં કોઈ ગોડ ફાધર નથી રહ્યાં અને મારા પણ કઈ ગોડ ફાધર નથી. હું પણ પોતાની જાતે ઘસાઈ-ઘસાઈને આ સ્ટેજ પર પહોંચ્યો છું.
ફિલ્મનું સિલેક્શન કઈ રીતે કરો છો એવા સવાલ પર એક્ટર સત્યા કહે છે કે જેમાં સામાજિક સંદેશ અને પોતાની જાતને શીખવા મળે તેવું હોય તો હું નાની મોટી ગમે તે ફિલ્મો કરવાનું વઘારે પસંદ કરું છું. તેઓના માટે ભાષા નહિ પરંતુ પોતાની પાસે રહેલી સ્કીલથી લોકોનું દીલ જીતી શકે એ વધારે મહત્વનું લાગે છે. રાજકીય ક્ષેત્રે આજે કે કાલે ક્યારેય રસ નહીં પડે એવું પણ સત્યા પટેલે વાત કરી હતી. આ ઉપરાંત યુવાનોને સલાહ આપતાં જણાવ્યુ કે કોઈ પણ ક્ષેત્રમાં કુદકો મારતા પહેલાં તે માટેની પુર્વતૈયારીના ભાગ સ્વરુપે તમારી પાસે થોડી બચત રાખવી જરૂરી છે.
ગુજરાતી દર્શકો માટે પણ સત્યા પટેલે વાત કરી કે આપણે આપણી ફિલ્મો નથી જોતા એ જ મોટો પ્રશ્ન છે. લોકો બોલિવૂડમાં એડવાન્સ બુકિંગ કરીને પૈસા નાખે છે. પરંતુ પોતાની જ ભાષાની ફિલ્મો લોકોને નથી ગમતી. આજે ઢોલિવૂડ ઈન્ડસ્ટ્રી ખર્ચ પણ કરી નાખે, પરંતુ સામે લોકોનો રિસપોન્સ જ ના મળે તો કોઈ પ્રોડ્યુસરને ખર્ચ કરવાની ઈચ્છા પણ ના થાય. હવે તો એવી સારી ફિલ્મો પણ બની રહી છે કે લોકોને 200 રૂપિયા ખર્ચવાનું મન થાય અને એમના પૈસા પણ વસુલ થાય. જો જનતા રિસપોન્સ આપશે તો ગુજરાતી સિનેમાને હજુ પણ સારી ફિલ્મો મળી શકે એમ છે.