Ahmedabad News: મહેંદી સાથે દરેક છોકરીને ગાઢ લગાવ હોય છે, કારણ કે જ્યારે ઘરમાં સારો પ્રસંગ આવે એટલે છોકરીના શૃંગારમાં મહેંદીનો પણ એટલો જ રોલ હોય છે. ત્યારે અમદાવાદમાં મંગલ પાંડે હોલ ખાતે રૂપ સાંજ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત બ્યુટી મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી મહેંદી આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો.
View this post on Instagram
જેમાં ક્ષત્રિય સગર સમાજની દીકરી સગર બંસી પ્રવીણ ભાઈએ ફર્સ્ટ રનર અપ રહીને પરિવારનું તેમજ સમાજનું નામ રાજ્ય લેવલે રોશન કર્યું હતું.
20 વર્ષીય સગર બંસી હાલમાં અમદાવાદ સતાધાર લીલાનગર ખાતે રહે છે. પિતા પ્રવીણભાઈ હીરાનું કામ કરે છે તો માતા સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવવામાં ટેકો કરે છે. મધ્યમ વર્ગીય આ પરિવાર માટે દીકરી રાજ્ય લેવલે નામ રોશન કરે એ ખરેખર ખુબ મોટી ઉપબલ્ધિ કહી શકાય.
મહેંદી કોમ્પિટિશન વિશે વાત કરીએ તો 27 સપ્ટેમ્બર 2024ના દિવસે અમદાવાદમાં મંગલ પાડે હોલમાં રૂપ સાંજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. 60થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધકને 90 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.
સાથે જ એક શરત પણ રાખવામાં આવી હતી કે દરેક સ્પર્ધકે પોતાની રીતે જ મહેંદી મૂકવાની છે. કોઈ ચિત્ર સામે રાખવાની બિલકુલ મનાઈ હતી. જેમાં બંસીએ દુલ્હનની થીમ પર મહેંદી બનાવી દરેકને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
View this post on Instagram
ભલે પહેલો નંબર નથી આવ્યો પણ ફર્સ્ટ રનર અપ રહી એ બંસી માટે પહેલા નંબર કરતાં પણ વિશેષ છે. કારણ કે બંસીએ પહેલી જ વખત આવી કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથે જ સતત 5 દિવસ બંસીએ દરરોજ પ્રેક્ટિસ કરી અને આખરે એ મહેનત રંગ લાવી હતી.
બંસી 2020માં માત્ર 1 મહિનામાં જ મહેંદીનો કોર્સ શીખી ગઈ હતી. હવે છેલ્લા 2 વર્ષથી એ ક્લાસિસમાં મહેંદી શીખવાડે છે. અત્યાર સુધીમાં હજારો દિકરીઓને મહેંદી શીખવાડી ચૂકી છે. સાથે જ 200થી વધારે દુલ્હન પણ તૈયાર કરી ચૂકી છે. અભિનેત્રી, સેલિબ્રિટી, રાજકારણ, પોલીસ, આઇપીએસ જેવી દિગ્ગજ મહિલાઓના હાથ પર પણ બંસીએ મંહેદી મૂકી છે. હાલમાં જયશ્રી પંચાલ મેમના ક્લાસિસમાં બંસી કામ કરી રહી છે, તો સાથે ખુદના ઓર્ડર પણ લે છે.