ગઈ કાલે સમગ્ર ભારતમાં માત્ર ને માત્ર ગુજરાતનું જ નામ ચર્ચામાં હતું, કારણ કે ગુજરાતના આંગણે મેચ અને ગુજરાત ટીમના નામે જ આઈપીએલ 2022નો ખિતાબ ગયો. ત્યારે હવે એનાથી પણ વિશેષ એક સમાચાર સામે આવી રહ્યા છે કે IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમના ભવ્ય વિજય બાદ ટીમની જીતની ઉજવણી આજે અમદાવાદમાં થશે. વિગતો મળી રહી છે કે સમગ્ર ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજાશે.
સાથે જ માહિતી સામે આવી રહી છે કે ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે લોકોમાં પણ એક અનેરો જ માહોલ જોવા મળવાનો છે. ઉલ્લેખનીય થછે કે દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવે એ પહેલાં સ્ટેડિયમ બહાર ભારે ભીડ જોવા મળી હતી.
અહીં બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતાં. એટલું જ નહીં, બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ જે તે ટીમની ટી-શર્ટ પહેરી હતી. કોઈએ ચહેરા પર ત્રિરંગો બનાવડાવ્યો તો કોઈએ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે નામ લખાવ્યા હતાં.