Gujarat News: TRB જવાનો હાલમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે 18મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કુલ 9000 પૈકી આશરે 6300 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, આ જ હુકમને લઈ હાલમાં આખા ગુજરાતમાં ધબધબાટી બોલી રહી છે. ટીઆરબી જવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એ જ અરસામાં આજે અમદાવાદ અને સુરતમાં ટીઆરબી જવાનો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા અને અલગ અલગ જગ્યાએ આવેદન પત્રો પણ પાઠવવામાં આવ્યા છે.
અમદાવાદ અને સુરત શહેરમાં TRB જવાનોના આંદોલન વિશે વાત કરીએ તો બંને શહેરોના ટીઆરબી જવાનો ભેગા થઇને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સુરતમા પણ મોટી સંખ્યામાં એકઠા થયેલા ટીઆરબી જવાનોએ સરકારના નિર્ણય સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. વર્ષોથી માનદ સેવા આપી રહેલા ટીઆરબી જવાનોને એકાએક છૂટા કરવાના સરકારના નિર્ણય સામે આખા ગુજરાતમાં વિરોધનો સુર રેલાતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો એકત્ર થયા એ જ રીતે સુરતમાં પણ એકત્ર થઈને વિરોધ નોંધાવી આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આ અરજીમાં એવી જ માંગણી છે કે રાજ્ય પોલીસ વડા આ પરિપત્ર પરત ખેંચે તેવી રજૂઆત કરી છે. આજે અમદાવાદમાં TRB જવાનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની આગેવાનીમાં કલેક્ટર કચેરી પહોંચી પોતાની રજુઆત કરી છે અને આગળ જલ્દી કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી છે.
એ જ રીતે વાત કરીએ તો સુરતમાં મોટી સંખ્યામાં 1600 જેટલા TRB જવાનો એકઠા થયા છે. આ જવાનો ભેગા થઇને આવેદન પત્ર આપશે. મંગળવારે પણ સુરતના ભટાર સ્થિત ઈશ્વર ફાર્મમાં મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો એકઠાં થયા હતા અને આગેવાનોની ઉપસ્થિતિમાં એક ચોક્કસ રણનીતિ તૈયાર કરી હતી. સરકારના આવા અણધડ પરિપત્ર સામે રોષ વ્યક્ત કરતા સુરતના ટીઆરબી જવાનોએ આંદોલનના મંડાણ કર્યા છે.