કહેવાય છેને કે ગુનેગાર ગમે તેટલી ચાલાકી વાપરે પરંતુ પોલીસને ગુનાની ગંધ આવી જતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે કે જેમાં નકલી સોનાનો વેપાર કરીને કમાવવા માટે નીકળેલા લોકો ઝડપાઈ ગયા છે. પોલીસે આ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ધરપકડ બાદ કેટલાક મોટા ખુલાસા થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ છેતરપિંડી કરનારા લોકો નકલી સોનાનો વેપાર કરવા માટે અઘરો જુગાડ લગાવ્યો હતો, આ ગેંગ નકલી સોનું બનાવીને છેતરપિંડી કરતી હતી.
આ ગેંગ નકલી સોનું જમીનમાંથી મળ્યું હોવાનું કહીને અંગત જરુરિયાતના કારણે સોનું વેચવા માગતા હોવાનું કહેતા હતા. આરોપી ટોળકીએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ગુનાખોરી કરીને નકલી સોનાની ડીલ કરી છે. આ ગેંગ નકલી સોનું બનાવતી હતી કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ ટોળકી મજરી કામ કરતી વખતે જમીનમાં ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાનું કહેતી હતી. જાેકે, આર્થિક જરુરિયાત હોવાથી સોનું વેચવા માગે છે તેમ કહેતા હતા. આ ગેંગે શાહીબાગ અને સરખેજમાં નકલી સોનું વેચીને છેતરપિંડી કરી હતી.
ગરીબ જેવો વેશ રાખીને આ ગેંગ નકલી સોનું વેચવા માટે પહોંચી જતી હતી, આ દરમિયાન તેઓ એવી ગરીબાઈ આવી ગઈ હોવાની વાતો કરતા કે સામેવાળી વ્યક્તિ સસ્તામાં સોનું મળતું હોવાનું માનીને લાભ ઉઠાવવાનું વિચારી લેતી હતી. પરંતુ આ પછી જ્યારે સોનું ખરીદનારી વ્યક્તિ દુકાનમાં જાય ત્યારે ખ્યાલ આવતો હતો કે તેમણે ખરીદેવું સોનું નકલી છે, અને તેઓ છેતરાઈ ગયા છે. એક આધેડ અને બે યુવાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, હવે આ નકલી સોનું ક્યાંથી લાવવામાં આવતું હતું અને અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.