ગુજરાતમાં હવે દિવસે ને દિવસે કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે નિયમોમાં પણ ઘણી છુટછાડ મળી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકાર ધીરે ધીરે માસ્કને ફરજીયાતથી મરજીયાત તરફ લઈ જવા આગળ વધી રહી હોય એવી ચર્ચા કરવામાં આવી રહી છે. આ મુદ્દે આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી શકે છે. આ સંકેતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ આપ્યા છે. તો વળી બીજીતરફ ગૃહ વિભાગના છેલ્લા જાહેરનામાની મુદ્દત 11 ફેબ્રુઆરીને શુક્રવારે પૂર્ણ થાય છે. તે પહેલા ગુરુવારે આઠ મહાનગરો સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દતમાં ઘટાડો કરવામાં આવે એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
જો વાત કરીએ તો ગુજરાતમાં પોણા બે વર્ષથી માસ્ક દરેક માટે ફરજીયાત છે. નિયમનો ભંગ કરનાર સામે એક હજારનો દંડ વસૂલવાની પણ જોગવાઈ છે જે આપણે સૌ જાણીએ છીએ. આ વિષયે હાઈકોર્ટ સમક્ષ ફરીથી ફેરવિચારણા અરજી કરવાનો મૂડ સરકારે બનાવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં અનઔપચારિક રીતે ”નાગરિકો હવે માસ્કથી કંટાળ્યા છે, એ જવું જોઈએ. જેમ આ મહામારીમાંથી સૌ બહાર નીકળ્યા એમ માસ્કમાંથી પણ નિકળીશુ” એમ કહીને આ મુદ્દે હકારાત્મ સંકેતો આપ્યા હતા.