શહેરના સોલા સાયન્સ સિટી ખાતે રહેતી મુકબધીર પરિણીતાએ ઇટાલી ખાતે રહેતા પોતાના મુકબધીર પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ કરી કે, તેના મૂકબધિર પતિએ લગ્ન બાદ ઈટલી લઇ જવાનું કહીને નહિ લઈ જતા બંને વચ્ચે તકરારો શરૂ થઈ હતી. મુકબધીર પરિણીતા પાસેથી તેનો પતિ દહેજ પેટે રૂપિયા ૫૦ લાખ માંગતો હતો. જેના બાદ પતિએ પત્ની પાસેથી છૂટાછેડા માંગ્યા હતા.
બન્યુ એમ હતું કે, અમદાવાદના સાયન્સ સિટી રોડ પર રહેતા એક પરિવારમા ૩૦ વર્ષીય મૂકબધિર યુવતી તેના માતાપિતા સાથે રહે છે. આ યુવતીને સોશિયલ મીડિયા પર એક યુવક સાથે પ્રેમ થયો હતો. મૂકબધિર યુવતી ફેસબુક પર એક મૂકબધિર યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જેથી બંનેએ માતાપિતાની સહમતીથી ગત ૩૧ માર્ચના રોજ લગ્ન કર્યા હતા. મૂળ ભારતીય આ યુવક ઈટલીમાં રહેતો હતો. લગ્નના ચાર દિવસ તે યુવતીના ઘરે પોતાના સાસરીમાં રહ્યો હતો. પરંુ બાદમાં તેણે યુવતી સાથે ઝઘડો કરવાનુ શરૂ કર્યુ હતું.
તેણે ઝઘડામાં દહેજની માંગણી શરૂ કરી હતી. જેના બાદ તે ઘરમાંથી નીકળી ગયો હતો. યુવક અમદાવાદથી પંજાબ અને ત્યાંથી ઈટલી પરત ફર્યો હતો. પરંતુ ઈટલી પહોંચ્યા બાદ યુવકનુ વર્તન બદલાઈ ગયુ હતું. તેણે યુવતીને ઈટલી બોલાવવાની વાત કરી, પણ બાદમાં તે ઝઘડા કરીને તે વાતને ટાળી દેતો હતો. ઝઘડામાં તેણે યુવતીને કહી દીધુ કે, તુ મને ગમતી નથી. મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. મારે ઈટલીમાં બીજી સ્ત્રી સાથે સંબંધ છે. તેથી મને હવે તારામા કોઈ રસ નથી.
તારા પરિવારે મને ૫૦ લાખનુ દહેજ આપ્યુ નથી. જાે તુ મને દહેજ નહિ આપે તો હું તને ઈટલી આવવા નહિ દઉં. આમ, યુવકની વાત સાંભળીને મૂકબધિર પત્નીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેણે પતિ સામે પોલીસ ફરિયાદ કરવાનુ નક્કી કર્યુ હતું. અન્ય યુવતીના પ્રેમમાં પડેલા પતિએ પત્ની સાથે છૂટાછેડાની માંગ કરી હતી. ત્યારે આખરે યુવતીએ પતિ અને તેના સાસરીવાળાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.