ઘણીવાર જે દેખાતું હોય તે સાચું નથી હોતું. એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં પત્ની પોતાના પતિ અને જેઠાણી વચ્ચે આડા સંબંધોની શંકા રાખીને ઝઘડા કરતી હતી. જેથી પતિએ ફટકારતા મહિલાએ બહેનને ફોન કરીને જાણ કરતાં તેણીએ મહિલા અભયમને મદદ કરવા જણાવ્યું હતું. બનાવની જાણ થતાં મહિલા અભયમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિણીતાનું કાઉન્સેલિંગ કરતા પત્ની ખોટી રીતે શંકા કરતી હોવાનું સામે આવતા તેને પોતાની ભૂલ સમજાઈ હતી.
બાદમાં તેણીએ પતિ તેમજ સાસરિયાની માફી પણ માંગી હતી. બનાવની વિગતો એવી છે કે, અમદાવાદમાં રહેતી પત્ની તેના પતિ ને જેઠાણી વચ્ચે આડા સંબંધો હોવાની શંકા રાખીને ઝઘડો કરતી હતી. પતિ જેઠાણીના મોબાઈલનું ઓનલાઈન રિચાર્જ કરી આપતો હતો તેથી પત્ની શંકા કરતી હતી. તેથી તેમની વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો.
તેના કારણે પતિએ પત્નીને ફટકારતા તેણીએ આ અંગેની તેની રાજકોટ ખાતે રહેતી બહેનને જાણ કરી હતી. તેથી રાજકોટની બહેને અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું કે અમદાવાદના એક વિસ્તારમાં રહેતી મારી પરિણીત બેહનને તેના સાસરિયા માર મારી રહ્યા છે અને મદદ માટે મને બોલાવી રહ્યા છે, જેથી તમે મદદ કરો. કોલ મળતા જ અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને પરિણીત મહિલાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે, પતિનું જેઠાણી સાથે અફેર હોવાને કારણે પતિ અને સાસરિયા અવારનવાર હેરાન કરીને મારપીટ કરે છે.
પતિ, જેઠ-જેઠાણી અને સાસરિયાની પૂછપરછ કરતા અભયમની ટીમને જાણવા મળ્યું કે, દિયર-ભાભીને એવો કોઈ સંબંધ નથી બસ ફોન રિચાર્જ ઓનલાઈન કરાવતા હતા. જેથી પરિણીત મહિલા તેનો ખોટો વહેમ રાખીને ઝઘડા કરે છે. જેથી મહિલા અભયમની ટીમે પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને પતિ-પત્ની વચ્ચેના ખોટા વહેન અને શંકા દૂર કરીને પરિણીતાનો ઘરસંસાર તૂટતો બચાવ્યો હતો.