શહેરના મહિલા પોલીસ સ્ટેશનોમાં નજીવી બાબતે મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓના કિસ્સા સતત વધી રહ્યા હોવાનું ફરિયાદો પરથી જાેવા મળી રહ્યું છે. મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરની ૨૪ વર્ષની પરિણીતાએ તેના પતિ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આ ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ મૂક્યો છે કે તેનો પતિ શારીરિક સંબંધ બાંધતો નહોતો અને તેની પર અત્યાચાર ગુજારતો હતો. આ સિવાય મહિલાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે તેનો પતિ પિયરથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતો રહેતો હતો.
મૂળ ઉત્તરપ્રદેશની મહિલાએ વર્ષ ૨૦૧૮માં સાબરમતીમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. થોડો સમય સારું રહ્યા બાદ નાની-નાની વાતમાં તેની સાથે ઝઘડો કરવામાં આવતો હતો. આ પછી તે જાન્યુઆરી ૨૦૨૦માં તેના પિયર ચાલી ગઈ હતી. સમાજના વડીલો અને પરિવારના લોકોની સમજાવટ બાદ ફેબ્રુઆરી ૨૦૨૦માં પરિણીતાને તેનો પતિ પરત અમદાવાદ લઈ આવ્યો હતો. આ સાથે પતિએ હવે ફરી તેના પર અત્યાચાર નહીં ગુજારે તેવી બાંહેધરી પણ વડીલો અને પરિવારજનોને આપી હતી. સમજાવટ પછી પણ બન્ને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે, પતિ વારંવાર પરિણીતાને ત્રાસ આપતો હતો, તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતો હતો.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે તેણે મારા માતા-પિતા પાસે રૂપિયા માગ્યા તો મેં કહ્યું કે તમારે આ બધું લગ્નના પહેલા કરવાની જરુર હતી, આ પછી ગુસ્સે થયેલા પતિએ મને મારવાનું શરુ કર્યું હતું અને મારા સાસુ મને બચાવવા માટે આવ્યા હતા. પરિણીતાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, ફેબ્રુઆરી ૨૦૨૦ પછીથી અમારી વચ્ચે પતિ-પત્ની જેવા સંબંધો બંધાયા નથી. દરેક વખતે હું મારા પતિને મારી શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા અંગે વાત કરતી હતી, આ પછી પતિ મને માર મારતા હતા. શનિવારે જ્યારે પરિણીતાના માતા-પિતા આવ્યા હતા ત્યારે પણ પતિએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને પરિણીતા પર ફરી જુલમ ગુજાર્યો હતો. આ પછી પરિણીતાએ પોતાના પર થતા અત્યાચારો અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો.