દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે. પણ અમદાવાદમાં દારૂને લઈને એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી છે. દારૂ પીવાની લતે પુત્ર ચઢી જતા પિતા સાથે બબાલ કરનાર આ પુત્રને તેઓએ ફટકાર્યો હતો. જેમાં પિતાએ જ પુત્રની હત્યા કરી દેતા બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ કરી છે. કનુભાઈ ભરવાડની સરદાર નગર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી કનુ ભરવાડે અન્ય કોઈની નહિ પણ પોતાના જ પુત્ર ભવાન ભરવાડની હત્યા કરી છે.
આ ઉંમરે સુખ દુઃખના દિવસો પુત્રો સાથે વિતાવવાની જગ્યાએ એક દારૂ પીવાની બાબતમાં ઝઘડો થતાં પિતાએ આવેશમાં આવીને પુત્રની જ હત્યા કરી નાંખી હતી. અને હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. મૃતક ભવાન ભરવાડ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. તેમની પત્નીને મનદુઃખ થતા પત્ની પણ પિયરમાં ગઈ હતી. દારૂ પીવાની ભરવાડ સમાજમાં મનાઈ હોવા છતાંય મૃતક દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને પિતા સાથે અવાર નવાર ઝઘડો કરતો હતો.
ગઈકાલે પણ આવું જ કંઈક બન્યું હતું અને પિતાએ ઝઘડો થતા પુત્રને ફટકાર્યો હતો. જેથી તેનું મૃત્યુ થયું હતુ. આ અંગે કનુભાઈના બીજા પુત્રએ જ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પુત્રએ એક તરફ પિતાને જેલને હવાલે કર્યા, તો સાથે જ ભાઈ પણ ગુમાવ્યો. દારૂ હકીકતમાં એક દુષણ છે તે ફરી એક વાર આવી ઘટના પરથી સાબિત થાય છે.