કોરોનાની બીજા વેવમાં થયેલા મૃત્યુનો આંક કોઈથી છુપો નથી જો કે રાજ્ય સરકારે વાસ્તવિક મૃત્યુ આંક સંતાડવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હતો. જેનો ભાંડો પણ સુપ્રીમ કોર્ટે ફોડયો હતો. સુપ્રીમ કોર્ટે કોરોનાથી થયેલા મોતની સહાય આપવા મામલે કરેલા આદેશથી આ ફાંડો ફૂટ્યો હતો. આ મામલે સુપ્રીમે લાલ આંખ કરી હતી, તેમજ કોરોનમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને સહાય આપવાના પણ સરકારના ઠાગાઠયાને સુપ્રીમ કોર્ટે ખુલ્લા કર્યા હતા. છતાં પણ જાણે કે સરકાર સુધરતી જ ન હોય તેમ આ વાત અમદાવાદ જિલ્લામાં સહાય સંબંધી આંકડા પરથી ફલિત થાય છે.
અમદાવાદમાંથી જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાંથી મણિનગર, અસારવા વિસ્તારમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લામાં કુલ 9,291ને સહાય ચૂકવાઈ તેમાંથી મણિનગરમાં 2,303ને, જ્યારે અસારવામાં 1,737ને સહાય ચૂકવાઈ છે. આમ, 40 ટકાથી વધુ મૃત્યુ આ બે વિસ્તારમાં નોંધાયા છે. આ બધા વચ્ચે હજુ પણ એવા 875 અરજદારો છે જેમણે સહાય મેળવવા અરજી કર્યાના 15-20 દિવસ થઇ ગયા છતાં તેમને સહાય મળી નથી. અને કલેક્ટર કચેરીમાંથી તેમને એવો જવાબ મળે છે કે હાલ તેમની પાસે આ અંગે કોઈ જ ફંડ ન હોવાથી ચૂકવણું થઈ શકે તેમ નથી.
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 13,278 જેટલા ફોર્મ આવ્યા છે. જેમાંથી 10,166ને આર્થિક સહાય આપવાનો હુકમ કરાયા બાદ હજૂ પણ 3,000થી પણ વધુ ફોર્મ ચકાસવાના બાકી છે. રોજના 40થી 50 જેટલા ફોર્મ આવી રહ્યા છે. કોરોનામાં મૃત્યુ પામનાર જિલ્લામાં સત્તાવાર આંકડો 3,422 નાગરીકોનો છે. ત્યારે સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કલેક્ટર કચેરી પાસે હાલ ફંડ જ નથી, આગામી દસેક દિવસમાં ગ્રાન્ટ છૂટી થાય પછી રકમ ચૂકવાશે.