અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે આજે પહેલા ગુજરાત વાઈબ્રન્ટ સમિટ અને ત્યાર પછી સૌથી મોટા ફ્લાવર શો સાથે સાથે પતંગોત્સવ રદ કરવાની જાહેરાત કરાતા લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને હાલ જે નાઈટ કફર્યુ છે તે વધારવામાં આવશે કે પછી ફરીથી મીની લોકડાઉન લગાવવામાં આવશે ? સહિતના અનેક સવાલો હાલ લોકોના મનમાં થઈ રહ્યા છે. હાલ જે રીતે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે ત્રીજી લહેરના સંકેત આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કોરોનાના વધતા જતા કેસને લઈને વાત કરીએ તો બુધવારે માત્ર એક દિવસમાં નવા ૩૩પ૦ કેસ સામે આવ્યા છે. અને છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો આ કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. ખાસ કરીને બે દિવસમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. કોરોનાની પહેલી અને બીજી લહેરથી થયેલા નુકશાનથી હજુ બહાર નથી આવ્યા ત્યા કોરોનાની ત્રીજી લહેરના સંકેતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટ અને અમદાવાદમાં યોજાતા ફ્લાવર શોને રદ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને ગુજરાતમાં ફરીથી મીની લોકડાઉન લગાવવામાં આવશે ? કે પછી નાઈટ કફર્યુ વધારાશે ? સહિતના સવાલોનો ગણગણાટ લોકોમાં શરૂ થઈ ગયો છે.
જો કે, નાઈટ કફર્યુ કે પછી મીની લોકડાઉનને લઈને સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ કોરોનાના ફુંફાડા વચ્ચે પણ ગુજરાતમાં હજુ પણ શિક્ષણ કાર્ય શરૂ હોવાથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. જો કે, ઘણી ખરી શૈક્ષણીક સંસ્થાઓએ સ્વૈચ્છાએ ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ કરૂ કરી દીધું છે. જ્યારે ફરવા લાયક સ્થળોની વાત કરીએ તો હાલ અંબાજી, આબુ, દિવ, સાપુતારા, કચ્છ, સોમનાથ, ગીર સહિતના પર્યટક સ્થળો ઉપર લોકોની ભીડ વધુ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોની બજારો અને બસોમાં પણ ભીડ ઘટાડો થયો નથી. હાલની કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે વેક્સિનેશનનું કામ પણ યુધ્ધના ધોરણે શરૂ જ છે. આ ઉપરાંત ૧પથી ૧૮ વર્ષના બાળકોને પણ રસીકરણની કામગીરી પુર જોશમાં શરૂ છે.