અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલની જુની યોજનાઓમાં 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફ કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારીની ઘોષણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં પહેલી જુલાઈ 2022 સુધીની સ્થિતિએ બાકી હપ્તા પર આઝાદી કા અમૃત મહોસ્વ પ્રોત્સાહક વળતર યોજના મુજબ આજથી 90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આ નિર્ણય અનુસાર બાકી 90 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે સરકારે રૂપિયા 768.92 કરોડની માફી આપવાનું નક્કી કર્યું હોવાનું જાહેર કરાયું છે.
જે અનુસાર આ યોજના અમલમાં આવ્યાથી 90 દિવસમાં બોર્ડની બાકી હપ્તાની રકમ ભરપાઈ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ પર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. એટલું જ નહીં, 90 દિવસની સમય મર્યાદા સુધી હપ્તા ભરી ન શખ્યા હોય તેવા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક આઠ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઈને લીધે બાકી પેનલ્ટીના વ્યામાં પણ ઘટાડો કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે કોઇને આ યોજનાનો લાભ લેવાનો હશે તેમણે ગુજરાત હાઉસીંગ બોર્ડની વેબસાઈટ પરથી ફોર્મ મેળવવાનું રહેશે તેમ પણ એક યાદીમાં જણાવાયું છે.