ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પુરી થાય એ પહેલા ખબર નહીં કેવા કેવા ભવાડા થશે. કારણ કે જે લોકો આજે કોઈના વખાણ કરતાં હોય તો ગઈ કાલે એની જ બુરાઈ કરતા જોવા મળે છે. ત્યારે હાલમાં પણ કંઈક આવું જ થયું છે ગુજરાતની સેલેબ્રિટી કમા વિશે. કારણ કે એક તરફ દિવ્યાંગ બાળક કમાને CM ભૂપેન્દ્ર પટેલ મળવા બોલાવે અને પબ્લિસિટી કરે તો વળી બીજી તરફ ભાજપના જ નેતાઓ રાહુલ ગાંધી સાથે કમાને સરખાવી એમની મજાક કરે. જ્યારે આજે જે વીડિયો સામે આવ્યો એમાં જ ભાજપના નેતા કહી રહ્યા છે કે કમાએ ભારત જોડો યાત્રા શરૂ કરી છે. તે કહી રહ્યો છે કે હું ભારતને જડીશ… ભારતને જોડીશ. કમો કહે છે કે અમે ગરીબી હટાવશું પરંતુ પોતે 40 હજાર રૂપિયાની ટી-શર્ટ પહેરે છે.
આ વીડિયો વાયરલ થતાં ગુજરાતના દિવ્યાંગજનો અને દિવ્યાંગોની સેવા કરનારાઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે અને લોકો એવા નેતાજીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે નેતાઓ ખાલી લોકોના ઉપયોગ માટે જ હોય છે. તેઓનો સામે દિવ્યાંગ હોય કે અપંગ કોઈ જ ફરક પડતો નથી. ચૂંટણી ગઈ એટલે કમો પણ ક્યાંનો ક્યાં જશે એનો કોઈને પત્તો નહીં લાગે. તો વળી ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે સરકારે આવા નેતાઓ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. કારણ કે કમો એ દિવ્યાંગ છે અને દિવ્યાંગ એ ભગવાનનું બાળક કહેવાય. જે નેતાને ભગવાનના બાળકનું પણ અપમાન કરવાનું યોગ્ય લાગતું હોય તો દેશને આવા નેતાઓની શું જરૂર છે. આ રીતે અલગ અલગ વિસ્તારમાં વિરોધના સુર જોવા મળી રહ્યા છે.
ભાજપના નેતાને કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ પણ જવાબ આપ્યો હતો. કહ્યું કે, ભાજપ માટે ચૂંટણી જીતવાનું મુખ્ય હથિયાર હેટ સ્પીચ છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ હેટ સ્પીચ અંગે ચુકાદો આપતા ચિંતા વ્યક્ત કરી છે. ભાજપ આવ્યા બાદ હેટ સ્પીચનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ડ્રાઉન સિન્ડ્રોમથી પીડિત એક બાળક છે, લોકો તેને કમાના નામથી ઓળખે છે, તે દિવ્યાંગ છે. ગુજરાતમાં આવેલા મધ્યપ્રદેશના મંત્રીએ માત્ર કમાનો જ નહીં પરંતુ સમગ્ર દેશના દિવ્યાંગોની મજાકવ કરી છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપના નેતાએ માત્ર કમાને જ ટાર્ગેટ નથી કર્યો પરંતુ તેની માતાને પણ ટાર્ગેટ કરી હોવાનું કહેવામાં આવ્યું છે અને આ વાતની કોંગ્રેસ પાર્ટી કડક શબ્દોમાં નિંદા કરે છે.