ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગુજરાત એકમના અધ્યક્ષ સી.આર. પાટીલે 2002ના નરોડા પાટિયા રમખાણ કેસના એક દોષિતની પુત્રીને વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ આપતા થયેલા વિરોધ અંગે બચાવ કર્યો છે. પાટીલે કહ્યું કે તે યોગ્યતાના આધારે ચૂંટણી લડી રહી છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણો બાદ અમદાવાદ જિલ્લાના નરોડા પાટિયા વિસ્તાર સાથે સંબંધિત કેસમાં 16 દોષિતોમાંથી એક મનોજ કુકરાણીની પુત્રી એનેસ્થેટિસ્ટ પાયલ કુકરાણી (30)ને ભાજપે મેદાનમાં ઉતારી છે.
નરોડા પાટિયા રમખાણોમાં 97 મુસ્લિમો માર્યા ગયા હતા. પાયલ કુકરાણી નરોડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. પાટીલે કહ્યું, “કોર્ટના આદેશ મુજબ તેને (મનોજ કુકરાણી) દોષિત ઠેરવવામાં આવ્યો અને તેણે તેની જેલની મુદત પૂરી કરી. તેમની પુત્રી ડોક્ટર છે અને પરિણીત છે. જ્યારે આ ઘટના બની ત્યારે તે 10-15 વર્ષની હોવી જોઈએ.”
પાયલની ઉમેદવારી વિશે પૂછવામાં આવતા ભાજપના નેતાએ પત્રકારોને કહ્યું, “તે ચૂંટણી લડવા અને જીતવા માટે સક્ષમ છે. તેઓ પાર્ટીના કાર્યકર છે. અમે તેમને યોગ્યતાના આધારે ચૂંટણી લડવા કહ્યું છે.”
આ સિવાય મોરબી બ્રિજ અકસ્માત કેસ અંગે વાત કરતા પાટીલે કહ્યું હતું કે, આ કેસમાં ભૂલ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. “રાજ્ય સરકાર કોઈને પણ છોડશે નહીં. આ મામલે FIR નોંધવામાં આવી છે. તપાસ બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે.