દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે બંને રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમા ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે પોલીસ સતત આ મામલે પેટ્રોલીંગ અને નાકાબંધી કરી અનેકવાર દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે તેમછતાં બુટલેગરો અવનવા કીમિયો દ્રારા દારૂ ઘુસાડવામાં સક્રિય રહેતા હોય છે ત્યારે આજે ખુદ પોલીસ કોન્સ્ટેબલ જ દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે ઝાલોદ પોલીસે રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર રાજસ્થાન તરફથી આવતી બોલેરો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા બોલેરોમાં સવાર બે ઈસમો પોલીસની ગાડીને ટક્કર મારી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો અને દારૂની ગાડીનું પાયલોટિંગ કરી રહેલા કોન્સ્ટેબલે પોતાની કાર વડે પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે બોલેરો કાર પીછો કરી અધવચ્ચે અટકાવી લીધી હતી તે દરમિયાન ગાડી સવાર એક ઈસમ ફરાર થઈ ગયો હતો. જ્યારે એક પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે બોલેરોમાં સવાર એક ઈસમ અને પાયલોટિંગ કરી રહેલો સંજેલી પોલીસ મથકનો કોન્સ્ટેબલ પ્રકાશ નીનામાની અટક કરી ૧.૫૪ લાખનો દારૂ તેમજ બોલેરો સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે બોલેરોમાં સવાર બે ઈસમો પોલીસ કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો આપનાર રાજસ્થાનના ઠેકાનો સંચાલક એમ ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી બેની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરમાંથી પણ પોલીસે ટ્રેક્ટરના થ્રેસર સંતાડીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. છોટાઉદેપુરના કલારાણી પાસેથી પોલીસે દારૂની મોટી ખેપ પકડી હતી.
બાતમીના આધારે પોલીસે ટ્રેક્ટરના થ્રેસરમાં ચોર ખાની બનાવીને લઈ જતો ૨૩૨૦ બોટલ દારૂ પકડ્યો હતો. પોલીસે કુલ ૧૩.૬૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરનાર હરિયાણાના બે શખ્સોને પકડી પાડ્યા હતા. આ દારૂ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્લાન હતો જાેકે, છોટાઉદેપુર પોલીસે બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું.