અમદાવાદ: ઘણા લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ગત અઠવાડિયે 7 IPS અધિકારીઓને ડીઆઇજી તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ પ્રમોશનની કામગીરી સાત પૈકી નાા એક અધિકારીની પેન્ડિંંગ ઇન્કવાયરીનેે કારણે અટકી હતી. હવે ગુજરાતમાંં સિનિયર IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. સુરત પોલીસ કમિશનર પદ માટેની અધિકારીઓની ખેંચતાણને લઈને કોકડું ગૂંચવાયું હતું. જેનો સરળ ઉપાય કાઢતા, લાંબા સમય સુધી ગુજરાતમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવનાર અને હાલ સરકારના અત્યંત નજીક એવા સનદી અધિકારીને ભલામણથી અનુપમસિંહ ગેહલોતને લગભગ સુરતના પોલીસ કમિશનર બનાવવાનું પાકુ થયુ છે. જ્યારે સુરત રેન્જ આઈજી તરીકે લાંબા સમયથી બેઠેલા અને સુરતના પોલીસ કમિશનર બનવાની જીદ પકડી રાખનાર રાજકુમાર પાંડિયનને રાજકોટના પોલીસ કમિશનર બનાવવાનું નક્કી થયું હોવાનું જાણી શકાયું છે.
બીજી તરફ સુરતના પોલીસ કમિશનર અજય તોમર કે જેઓ લાંબા સમયથી અમદાવાદ પોલીસ કમિશનર બનવા માટે ધમપછાડા કરી રહ્યા છે તેમને અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કે જેઓ કોઈ પણ ભોગે સુરતના પોલીસ કમિશનર બનવા માંગતા હતા તે બંને અધિકારીઓને સાઇડ પોસ્ટીંગમાં આરામ આપવાનું નક્કી થયું હોવાનું જાણી શકાયું છે. જ્યારે એન્ટીકરપ્શન બ્યુરોના ડાયરેક્ટર કેશવ કુમાર નિવૃત્ત થયા ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર બનાવાશે અને અજય તોમર અમદાવાદ પોલીસ કમિશનર પદે આરૂઢ થાય તેવું ગોઠવણ થઈ હતી. જ્યારે તેમની ખાલી પડેલી જગ્યાએ રાજકુમાર પાંડિયનને સુરત પોલીસ કમિશનરનો તાજ આપવાની યોજના હતી. જે ગોઠવણ કે યોજના પાર પડી નહીં. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને તમામ પ્રકારના વિવાદથી દૂર રહેતા અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબીના ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેઓ યથાવત રહ્યા.
બદલીઓ માટે IPS અધિકારીઓ દ્વારા લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સુરત રેન્જ ની જગ્યા ખાલી પડે તેના માટે ઘણા બધા અધિકારીઓએ પોતાનું લોબિંગ શરૂ કરી દીધું છે. વડોદરા રેન્જ આઇજી બનવા માટે પણ ઘણા અધિકારીઓ લાઈનમાં છે. સુરત શહેરમાં સિનિયર પોસ્ટ માટેની જગ્યા ખાલી હોય તેના માટે અધિકારીઓ દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જગ્યા ખાલી હોય તે સ્થાને પોતાનું નામ પાકકુ કરાવવા માટે ઘણા સિનિયર અધિકારીઓ રેસમાં છે. આ ઉપરાંત બદલીમાં જિલ્લો મેળવવા માટે તથા સાઇડ પોસ્ટીંગ માંથી એજ્યુકેટીવ પોસ્ટિંગમાં આવવા માટે પણ લોબિંગ શરૂ થઈ ગયું છે હવે જોવાનુંએ રહ્યું કે કયા અધિકારીઓનો લોબિંગ અને લાઇન કામ કરી જાય છે.