Gujarat News: CID ક્રાઇમે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ આંગડિયા પેઢી પર દરોડા પાડ્યા હતા. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદ મળતાં CID ક્રાઇમ દ્વારા અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડની અનેક આંગડિયા પેઢી સહિત રાજ્યભરમાં 25થી વધુ જગ્યાઓ પર આંગડિયા પેઢી પર ત્રાટક્યા હતા. ચોંકાવનારી વાત એ પણ છે કે 10 કરોડ રોકડા અને એક કિલો સોનું મળી આવતા ઇન્કમટેક્સ વિભાગની ટીમ તપાસમાં જોડાઈ હતી. બપોરના સમયથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. સીજી રોડ પર ઈસ્કોન આર્કેડ અને અમદાવાદના રતનપોળ વિસ્તાર તથા સુરતના ભાગલ વિસ્તારમાં એક સાથે પાડવામાં આવેલા દરોડામાં ગેરકાયદે નાણાકીય પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા સાથે આંગડિયા પેઢીઓને નિશાન બનાવી હતી.
મળતી માહિતી પ્રમાણે ઈનકમ ટેક્સ સત્તાવાળાઓ સાથે મળીને CID ક્રાઈમ વિભાગે સમગ્ર અમદાવાદ અને સુરત શહેરમાં 12 આંગડિયા પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ચાલુ તપાસના ભાગરૂપે કથિત નાણાકીય અનિયમિતતાઓના પુરાવા એકત્ર કરવાના હેતું સાથે પાડવામાં આવ્યા હતા. લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને પુરાવા એકત્રિત કરવા કામગીરી દરમિયાન બોડી કેમેરા પહેર્યા હતા. અધિકારીઓએ આ દરોડા અંગે ખુલાસો કર્યો હતો કે દરોડામાં આશરે 10 કરોડ રૂપિયાની રોકડ, ઝવેરાત અને વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યા હતા.
હાલમાં મળતી માહિતી પ્રમાણે જપ્ત કરાયેલી વસ્તુઓ વધુ તપાસ માટે આઈટી વિભાગને સોંપવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (CID ક્રાઈમ) રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, “આંગડિયા પેઢીઓ પરના દરોડા હાલમાં ચાલી રહેલી તપાસનો એક ભાગ હતો અને અમારી પૂછપરછ ચાલુ છે.” CID ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે તાજેતરમાં એક કેસ નોંધ્યો હતો જેમાં કથિત રીતે નાણાકીય વ્યવહારો માટે નકલી ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રણ એકાઉન્ટ દુબઈ સાથે જોડાયેલા હતા.
ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરે, જો ઉછેરી ન શકો તો 4 અમને આપો, શીખોને કરવામાં આવી અજીબ અપીલ
ભાજપ શા માટે 400થી વધારે સીટનો દાવો કરી રહી છે? 2019માં હારી ગયેલી અડધી બેઠકો જીતવાનો વિશ્વાસ
વધારે વિગતો એવી પણ મળી રહી છે કે આ કેસની લીડ્સને પગલે ઘણી ધરપકડ કરવામાં આવી હતી, જેમાં નકલી ખાતાઓ અને મની લોન્ડરિંગમાં સંકળાયેલી આંગડિયા પેઢીઓ વચ્ચેના જોડાણો ખુલ્લા પાડવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે દુબઈમાં ભંડોળ મોકલવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું હતું, કે તેઓ તપાસ કરી રહ્યા છે કે દુબઈમાં પૈસા કોને મળ્યા અને આંગડિયા મારફત મોકલવા પાછળનો હેતુ શું હતો.