બે વર્ષના મહામારીના સમય પછી ફરી એકવાર સ્કૂલો અને કૉલેજાે ધમધમતી થઈ છે, આવામાં પણ નાના ભૂલકાઓ ખુશી-ખુશી સ્કૂલમાં જઈ રહ્યા છે, ત્યારે અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકી સાથે સ્કૂલવાનના ચાલકે અડપલા કર્યા હોવાની ઘટના બની છે. આ આ મામલે જ્યારે બાળકીએ રડતા-રડતા પોતાના માતા-પિતાને વાત જણાવી તે પછી વાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વાનના ડ્રાઈવરની ધરપકડ કરીને જરુરી કાર્યવાહી કરી છે.
મળતી વિગતો પ્રમાણે પોલીસે આ કેસમાં સરખેજ વિસ્તારમાં રહેતા મુન્નો દેસાઈ નામના સ્કૂલવાન ચલાવતા શખ્સની ધરપકડ કરી લીધી છે. મુન્નો ખાનગી સ્કૂલમાં બાળકોને લાવવા-લઈ જવા માટે વાન ચલાવતો હતો અને તેની કરતૂત વિશે માલુમ પડતા તેની સામે બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ્સ મુજબ માતા-પિતાને સ્કૂલમાંથી તેમની દીકરી ઘણી જ ઉદાસ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. આ જાણીને ચિંતિત થયેલા માતા-પિતાએ બાળકીને સમજાવીને તેના ઉદાસ રહેવા પાછળનું કારણ જાણવાની તાપાસ કરી હતી.
આ તપાસ કરતા જે વિગતો સામે આવી તે જાણીને માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. માતા-પિતાની પૂછપરછ દરમિયાન બાળકી ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી હતી અને તેણે રડતા-રડતા કહ્યું હતું કે વાનવાળા અંકલ સાથે મારે નવું નથી, તે મને ગમે ત્યાં અડે છે. તેઓ અમને શરીર પર અલગ-અલગ જગ્યાએ અડે છે અને મારી સાથે વાનમાં ગંદુ કામ કરે છે. આ પછી બીજા દિવસે માતા-પિતાએ બાળકીની બીમારીનું કારણ આગળ ધરીને તેને લેવા માટે ના આવવા માટે વાનના ચાલકને જણાવ્યું હતું.
બાળકી ઉદાસ શા માટે રહેતી હતી તે અંગે સ્કૂલમાં પણ જણાવવામાં આવ્યું હતું. બાળકીનું ઉદાસ રહેવાનું કારણ જાણ્યા પછી તેની માતા આ અંગે ફરિયાદ કરવા માટે આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાની રજૂઆત સાંભળીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વાનના ડ્રાઈવર મુન્નાની ધરપકડ કરી લીધી છે. બાળકીના માતા-પિતા વર્કિંગ પેરેન્ટ્સ છે. ચાર વર્ષની બાળકી સાથે અડપલા કરનારા વાનના ડ્રાઈવરની ધરપકડ બાદ હવે તેણે આવું કેટલી બાળકીઓ સાથે કર્યું છે તે અંગે પોલીસ તપાસ કરશે. પોલીસે આ મામલે આરોપી સામે જરુરી કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરી છે.