ટૂંક સમય પહેલાં જ સમાચાર સામે આવ્યા હતા કે ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના અપહરણના વહેમ રાખી મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોના ટોળાએ ભરૂચ APMC માર્કેટમાં 2 મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. ત્યારે હવે અમદાવાદમાં પણ બાળકોને ઉઠાવતી એક ગેંગ સક્રિય થઈ છે જેનાથી વાલીઓને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.જો કે બાળકોની ઉઠાવી જવાની અફવા વચ્ચે અમદાવાદમાં સ્કૂલ સંચાલકોએ મહત્વનો નિર્ણય લીધો છે.
હાલમાં પ્રાપ્ય વિગતો મળી રહી છે કે સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રિસેસમાં કેમ્પસની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરની જુહાપુરા અને જમાલપુરની અનેક સ્કૂલોમાં આવા કડક નિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. જુહાપુરાની એ-વન સ્કૂલના સંચાલક સતર્ક થઇ જતા એ-વન સ્કૂલમાં કામ સિવાય મેઇન ગેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો. એ-વન સ્કૂલના ગેટ પર સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી. વિધાર્થીઓને લેવા માટે આવતા વાલીઓએ પણ હવે ઓળખકાર્ડ બતાવવાનું રહેશે જેવા અનેક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.
તાજેતરમાં જ બનેલી અમદાવાદ શહેરની ઘટનાઓ વિશે જો વાત કરવામાં આવે તો જમાલપુરમાં બે બાળકોને ઉપાડી જવાની ઘટના ઘટી હતી. જેની દહેશત વધતા સ્કૂલ સંચાલકોએ આ નિર્ણય લીધો. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોને ફોસલાવીને ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે, ત્યારે પોતાની સ્કૂલના બાળકો સાથે આવી કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ત્યારે વાલીઓ પણ આવી બાબતોનું ધ્યાન રાખે એ એટલું જ મહત્વું છે.