મૂળ ગુજરાતી પરિવારની જર્મનીમાં વસતી ગુજરાતી દીકરી અરીહાનો કિસ્સો હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે. કારણ કે આ દીકરીને માતા-પિતાથી દૂર કરી જર્મન ચાઈલ્ડ કેરમાં સોંપવામાં આવેલ છે. તો લોકોની માંગ છે કે જલ્દીથી જલ્દી તેનો કાયદાકીય ઉકેલ આવે અને પરત એમના માતા-પિતાને સોંપવામાં આવે. ત્યારે એ જ અરસામાં આ દીકરીને બચાવવા વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગે પણ ચારેકોર પડઘા પડે એવા પ્રયત્ન કર્યા છે અને ગુજરાતનું પહેલું ડિઝિટલ મુવમેન્ટ ચલાવ્યું છે. #SaveAriha હાલમાં ધૂમ મચાવી રહ્યું છે અને કરોડો ગુજરાતીઓની પણ માગ એ જ છે કે આ દીકરી પરત એમના માતા-પિતાને સોંપવામાં આવે.
વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પૌરષ પટેલે આ દિશામાં કરેલા કાર્ય વિશે વાત કરતાં જણાવ્યું છે કે અમે ગુજરાતનું પહેલું ડિઝિઝલ મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ. અમારા વોટ્સઅપ પર 40થી વધારે ગૃપો છે એમાં આ બાળકીને લગતી તમામ માહિતી શેર કરવામાં આવી છે. સાથે જ આ ગૃપમાં જે લોકોના બીજા પર્સનલ ગૃપ હોય એમાં પણ શેર કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છેય એ રીતે હિસાબ કરીએ તો 1500 કરતાં પણ વધારે ગૃપોમાં શેર કરવામાં આવ્યું છે. સાથે જ ફેસબૂક પર જિલ્લા અને અલગ અલગ દેશના 25 જેટલા પેજ છે એમાં પણ અમે અમારો આ પત્ર અને વિગતો શેર કરી છે. એ રીતે હવે અમારો આ અવાજ આખા ગુજરાતમાં પહોંચી ગયો છે અને સમર્થન પણ મળી રહ્યું છે.
પૌરષભાઈ જણાવે છે કે ગુજરાતના દરેક શહેરોમાંથી હાલ અમને દરરોજ કોલ આવે છે અને પોતાનું સમર્થન આપી રહ્યા છે. એટલું જ નહીં પણ જે દીકરી ફસાઈ છે એમના પરિવારમાંથી પણ અમને કોલ આવ્યો છે અને કહ્યું છે કે તમારી ચળવળ પછી અમને ખુબ સપોર્ટ મળી રહ્યો છે. સાથે જ અમે જર્મનીમાં પણ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ પ્રશ્નનું વહેલી તકે સમાધાન લાવવામાં આવે. કાયદાકીય અને બંધારણ પ્રમાણે જે પણ ઉકેલની રીત હોય એ કરો અને માતા પિતા સુધી બાળકીને પહોંચતી કરો. જો એમના બંધારણમાં એક વર્ષ અલગ રાખવાનો કાયદો હોય તો પછી બાળકીને પરિવારના કોઈ સભ્ય, કોઈ સંબંધીઓને દત્તક આપવામાં આવે અથવા સમાજના કોઈ આગેવાનને આપવામાં આવે.
પૌરષભાઈએ વાત કરી કે આ પત્રને અમે દરકે મંત્રાલયમાં ફોરવર્ડ કર્યો છે. ગુજરાતમાં પણ CMથી લઈને જે જે પણ મંત્રીઓ આ ઘટના સાથે જોડાયેલા છે એ તમામને માહિતી પહોંચતી કરવામાં આવી છે. ન માત્ર ગુજરાત કે ભારત પણ સાથે સાથે 10 દેશમાં અભિયાન ચલાવી રહ્યા છે. અમારો ભવિષ્યનો પ્લાન પણ એવો જ છે કે આ એક જ પત્ર અલગ અલગ દેશમાંથી ફોરવર્ડ કરવામાં આવે અને જર્મનીને ગુજરાતીઓ તેમજ બાળકો પ્રત્યેની સહાનુભૂતિની તાકાત બતાવવામાં આવે. ધરણા વિશે પૌરષભાઈ કહે છે કે મને એ વાતનો કોઈ અર્થ નથી લાગતો. હા ધરણા કરતાં લોકોના સપોર્ટમાં અમે છીએ જ. પરંતુ અમે એક અલગ જ રીતે આ વિષયનું સમાધાન લાવવા માગીએ છીએ. આવા મુદ્દામાં સરકાર હંમેશા સાથે જ હોય છે. પરંતુ કરોડોની વસ્તીમાં સરકારનું ધ્યાન કદાય આ મુદ્દા પર ન ગયું હોય. આવી મુવમેન્ટથી એમનું ધ્યાન જાય અને વિષયમાં કામ થાય. સાથે જ સીકે પટેલે પણ સપોર્ટ કર્યો અને કામને આગળ ધપાવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરીને આ વાતનું કાયદાકીય અને બંધારણની રીતે ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું છે. આ દીકરીને પરત લાવવા માટે અમે જ્યાં જરૂર પડે ત્યાં જઈશું અને જે કરવું પડે એ કરશું. જો એ રીતે વાત નહીં પતે તો મોટી મોટી હસ્તીઓને મળશું, પરંતુ આખરે પ્રશ્નનોનું નિવારણ લાવી દીકરીને એમના માતા-પિતા સાથે સુ:ખદ મિલન કરાવશું.