આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સરકારના જે મળતીયાઓ અધિકારીઓની મિલીભગતથી જે મસમોટું કૌભાંડ થઈ રહ્યું છે તેનો આજે અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ. વર્તમાન સમયમાં જે યોજનાઓ આવે છે તેનો લાભ લાયક વ્યક્તિઓને મળતો નથી પરંતુ તેનો લાભ સરકારના આશીર્વાદથી ચાલતી સંસ્થાઓને મળે છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માં કૌભાંડ થયું અને તેના આધાર, સાક્ષી અને પુરાવા અમારી પાસે છે. આ યોજનામાં કૌભાંડ થયું અને તેમાં મુખ્ય લાભાર્થીઓની જગ્યાએ સરકારના મળતીયા અધિકારીઓએ પોતાની તિજોરી ભરી અને તેનો લાભ નાના કામદારોને મળ્યો નથી. આ યોજના લોન્ચ કરવામાં આવી ત્યારે તેના લાભાર્થીઓ નાના વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓ હતા. કોરોના કાળમાં 5,000 કરોડની આ યોજના શરૂ કરવામાં આવી હતી.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં શિક્ષણની હાટડી ચલાવી રહેલા અમુક શાળા સંચાલકોએ આમાં સીધો લાભ લીધો છે જે ક્યાંય પણ આના નીતિ નિયમોમાં ફીટ બેસતા નથી. આના નીતિ નિયમોમાં ક્યાંય પણ શિક્ષકોનો ઉલ્લેખ નથી અને આમાં શિક્ષકોને સહાય આપવામાં આવી છે. અમે બધી જગ્યાએ આની રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ સંતોષકારક જવાબ અમને ક્યાંય પણ મળ્યો નથી. આ કૌભાંડ જ્યાં ચાલે છે તેમાં વર્તમાન મુખ્યમંત્રીના મતવિસ્તારમાં આવેલી શાળાનો પણ સમાવેશ થાય છે. આ કોંભાડનો પર્દાફાશ કરવા માટે તેના પીડિત અને સાક્ષી વિનોદભાઈ ચાવડા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે જે તમને આખો ઘટના ક્રમ જણાવશે.
આ યોજનાના ક્રાઇટ એરિયા માં જણાવ્યું છે કે રિક્ષા ચાલક, દુકાનદાર, ફેરીયાઓને લોન મળવાપાત્ર છે. ઓછા વ્યાજ દરે લોન મળતી હતી જેમાં છ મહિના સુધી વ્યાજ ભરવાનું આવતું ન હતું પરંતુ વર્તમાનમાં આ યોજનાના લાભાર્થીઓ શિક્ષાની હાટડી ચલાવતા શાળા સંચાલકો છે. જેમણે શિક્ષકોને હાથો બનાવીને શિક્ષકોના નામે લોન લઈને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા. જેનો અમારી પાસે આધાર અને પુરાવો છે. અરજી કરવા માટેની તારીખ 21 મેથી 31 ઓગસ્ટ હતી પરંતુ વિનોદભાઈની 26 ઓગસ્ટના લોન પાસ થઈ ગઈ હતી. જો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી તો તે પહેલા લોન કઈ રીતે પાસ થઈ તે એક મોટો સવાલ છે? જેના પરથી ખબર પડે છે કે આ એક સુનિયોજિત કાવતરું છે જે સરકારની રહેમરાહ નજરની નીચે તેમના મળતીયાઓએ આ કૌભાંડ આચર્યું છે.
આજે કૌભાંડ થયું છે એમાં અમે જાહેર જનતા સમક્ષ માંગણી કરીએ છીએ કે આ કૌભાંડ ની તપાસ માટે SIT ની રચના કરવામાં આવે અને તપાસ કરનાર અધિકારીઓ નિષ્પક્ષ હોવા જોઈએ, તેની સમય મર્યાદા પણ નિશ્ચિત હોવી જોઈએ, આ કૌભાંડ જેમની મિલી ભગતથી ચાલી રહ્યું છે, જેમની રહેમરાહ નજર નીચે કૌભાંડ થયું છે તેમને ખુલ્લા કરવામાં આવે, શા માટે શિક્ષકોને લોન આપવામાં આવી? તેની તપાસ કરવામાં આવે.
GSC ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ સામે પણ અમારા કેટલાક પ્રશ્નો છે. ખાનગી સંસ્થામાં કામ કરતા પગારદાર કર્મચારીઓને આ યોજનાનો લાભ મળી શકે નહીં તેવું આની અંદર લખ્યું છે, તો સરકારે બનાવેલા આ નિયમથી વિપરીત શા માટે જવું પડ્યું? GSCએ ધારા ધોરણનું ઉલ્લંઘન કરી લોન કેમ આપી? બેંક દ્વારા આવક મર્યાદા અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના લોન કેવી રીતે આપવામાં આવી? GSCએ શાળાઓમાં શા માટે કેમ્પ કર્યા? GSC બેંક એ સરકારના ઇશારે કેટલી શાળાઓમાં કેમ કર્યા? શાળાઓમાં કરેલા કેમ્પની સરકારને જાણ હતી ખરી? જે સાચા લાભાર્થીઓ હતા તેની જગ્યાએ 70 થી 80 હજાર પગારદાર લોકોને લોન કેવી રીતે આપવામાં આવી? તેથી અમે નિષ્પક્ષ તપાસી માંગ કરીએ છીએ અને જે પણ લોકો આમાં સંડોવાયેલા છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના કૌભાંડના પીડિત અને સાક્ષી તથા કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે, ગુજરાતની અંદર કોરોનાના કપરા કાળમાં એક કૌભાંડ થયું છે. સરકારની એક મહત્વપૂર્ણ યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત આ કૌભાંડ થયું છે. એક સામાન્ય શિક્ષક અને ગુજરાતના નાગરિક તરીકે હું એ વાતનો ખુલાસો કરું છું કે, નાના માણસો માટે 5000 કરોડ રૂપિયાનું મોટું પેકેજ હતું. આ પેકેજમાં જે ફેરિયાઓ હતા, રીક્ષા ચાલક હતા, પાથરણા વાળા હતા કે નાના વેપારીઓ હતા તેમણે લાભ લેવાનો હતો. જે લોકોને કોરોનાના કપરા કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૨૦ લાખ કરોડના પેકેજ માંથી ગુજરાતને 5000 કરોડનું પેકેજ આપ્યું હતું.
આ 5000 કરોડ રૂપિયાનું પેકેજ નાના વ્યવસાયકારો માટે હતું. પરંતુ તેમાંથી પૂર્વ આયોજિત મહા કૌભાંડ આચરવા શાળા સંચાલકોએ શિક્ષકોનો ઉપયોગ કરી પોતાના ખિસ્સા ભર્યા, સરકાર આ બાબતે ચૂપ રહી, મળતિયાઓને લોન મળી, અને જીએસસી બેંક દ્વારા શાળા સંચાલકોની સ્કૂલમાં સરળતાથી કેમ્પ કરીને આ લોન આપવામાં આવી. આ લોન ના સાચા હકદાર લોકો અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં બસ લાઈનમાં જ ઉભા રહી ગયા અને જે શિક્ષકો આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ આવતા ન હતા તે શિક્ષકોને લોન આપવામાં આવી અને કૌભાંડ આચરવામાં આવ્યું.
અમદાવાદની કેટલીક મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થાઓએ શિક્ષકોના પવિત્ર પાત્રનો ઉપયોગ કરીને આ કૌભાંડ આચર્યું છે. હું પોતે પણ એ સમયે શિક્ષક રૂપે ફરજ બજાવતો હતો ત્યારે આ ઘટના મારી સાથે પણ બની અને મારા નામે પણ લોન લેવામાં આવી. આ બાબતે મેં માનનીય મુખ્યમંત્રીજીને ફરિયાદ પણ કરી હતી. મને મુખ્યમંત્રીજીએ આશ્વાસન આપ્યું હતું કે આ બાબતે પગલા લેવામાં આવશે, છ મહિના સુધી મેં સચિવાલયના ધક્કા ખાધા પરંતુ સરકાર તરફથી કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી.
કુલ ૩૦૦ થી ૪૦૦ લોકોના નામે આ લોન લેવામાં આવી છે. સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ મસમોટા કૌભાંડની હકીકત ગુજરાતના લોકોની સામે આવશે. આ યોજનાના નિયમો અને કરાર આધારે કોઈપણ સંસ્થામાં કામ કરતા કર્મચારીને આ લોન મળી શકે નહીં, આ લોનના મુખ્ય નિયમ અનુસાર કોઈપણ પગારદાર વ્યક્તિને લોન મળી શકે નહીં અને આ નિયમના વિરુદ્ધ જઈને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બાબતે મેં પહેલા મુખ્યમંત્રી અને પછી શિક્ષણાધિકારીને ફરિયાદ કરી પરંતુ શિક્ષણાધિકારીએ સંચાલકનો પક્ષ લીધો. મેં તકેદારી આયોગ અને વિજિલન્સ કમિશનમાં પણ ફરિયાદ કરી છે. ત્યારબાદ મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ રૂપી અરજી આપી પરંતુ મારી એક પણ વાત સાંભળવામાં ન આવી અને મારી ફરિયાદ લેવામાં ન આવી.
વિનોદભાઈ એ તેમના ઉપર થવા વાળા જાહેરનામા માટે કહ્યું કે, શાળા સંચાલકોએ મારા વિરુદ્ધ એવું જાહેર કર્યું કે, વાલીઓ ફી ભરતા નથી તે માટે અમે વિનોદ ચાવડાને ફેરીયા રૂપી બનાવી લોન લીધી છે. તે લોન પહેલા મારા ખાતામાં આવે છે અને પછી દસ દિવસમાં તે શાળા સંચાલકોના ખાતામાં પરત જતી રહે છે. મારો 35% પગાર કાપી લેવામાં આવે છે અને અનિયમિત પગાર કરી દેવામાં આવે છે. મેં બોસ સાથે ખરાબ વર્તન કર્યું છે તેવું કહીને મને બરતરફ કરી દેવામાં આવે છે. આ એક શિક્ષક સાથે અન્યાય છે જેના માટે હું લડાઈ લડી રહ્યો છું. હું ફક્ત એક નિમિત્ત માત્ર છું ઘણા બધા લોકો સાથે ઘણી બધી શાળાઓમાં આ ઘટના ઘટી ચૂકી છે.
આમ આદમી પાર્ટીના ભાજપ સરકારને મુખ્ય સવાલો:
1. GSC બેંકે ખાનગી સંસ્થાઓને ધારા ધોરણનું ઉલ્લંઘન કરી લોન કેમ આપી?
2. બેંક દ્વારા આવક મર્યાદા અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના આ લોન કેવી રીતે અપાઈ?
3. GSC બેંક દ્વારા શાળાઓમાં સામેથી સુવિધાજનક કેમ્પ કેમ કરવામાં આવ્યા?
4. GSC બેંકે કેટલી સ્કૂલોમાં કોના ઈશારે આ કેમ્પ કર્યા?
5. આ રીતે શાળામાં થયેલ કેમ્પથી સરકાર અવગત હતી?
6. સામાન્ય નાગરિકો અને સાચા હકદારો માટે કેમ્પ કેમ ન કરાયા?
આમ આદમી પાર્ટીની ભાજપ સરકાર પાસે માંગણી:
SITના પ્રામાણિક અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને નિશ્ચિત સમયમાં તપાસ થવી જોઈએ.