તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અનેક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નટુ પોંકિયા પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણી પહેલા જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે, 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓના કેસરિયા કર્યા છે. લોકો પણ હવે કહી રહ્યાં છે આમ આદમી પાર્ટીમાં સંઘ દ્વારકા પહોંચે એવું લાગતું નથી.
જામનગરના અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિત સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવીને AAPના કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે. અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિધિવત રીતે ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. જે મુદ્દો હાલમાં ચારેકોર ગાજી રહ્યો છે.
હાલમાં ગુજરાતમાં એવો માહોલ છે કે હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડતા રાજકીય ગલીઓમાં હાહાકાર મચી ગયો છે. આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 જેટલા પૂર્વ હોદ્દેદારો અને 200 જેટલાં કાર્યકર્તાઓએ આજે કેસરિયો ધારણ કરી લીધો છે. ત્યારે કોઈ કોંગ્રેસમાં તો કોઈ ભાજપમાં અને કોઈએ તો આમ આદમી પાર્ટી છોડીને બીજી કોઈ પાર્ટી જોઈન પણ કરી નહોતી.