ભાજપે આ પહેલાં પ્રથમ વખતમાં પોતાના 160 ઉમેદવારનાં નામની જાહેરાત કરી હતી. આજે વધુ 6 ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખંભાળિયાથી મુળુ બેરાનું નામ, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.
વિગતે વાત કરવામાં આવે તો ભાજપે ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રહી ચૂકેલા ડો. મહેન્દ્ર પાડલીયાને ધોરાજી બેઠક પર ટીકિટ આપી છે કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કોંગ્રેસની વાત કરીએ તો ધોરાજી બેઠક પર કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ભાજપે કડવા પટેલની આ જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે.
સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હરાવી શકે તેવા ઉમેદવાર માટે ગતમોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતુ.અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે આ વખતે એ વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.