ગુજરાતમાં પણ હવે પંજાબવાળી! વાઢની ફૂલ સીઝન હોવા છતાં આર-પારની લડાઈ માટે ખેડૂતોના ગાંધીનગરમાં ધરણાં, આ વખતે પણ સરકારને ઝૂકવું જ પડશે!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતમાં ખેડૂતો પ્રત્યે થતા અન્યાયને લઈ અવારનવાર અવાજો ઉઠતાં રહે છે. ત્યારે હવે ફરી એકવાર જગતનો તાત પોતાના ખેતર છોડીને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર બન્યો છે. એક તો હાલમાં વાઢની સીઝન ચાલી રહી છે તેમ થતાં પોતાના હક માટે લડવા માટે જવું પડી રહ્યું છે. જ્યાં એક તરફ ખેડૂતોએ પોતાની જમીન બચાવવા ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરની સડકો ખૂંદી રહ્યા છે તો બીજી તરફ હવે બીજ ઉત્પાદન કરતા ખેડૂતો પોષણક્ષણ ભાવને લઈને તંત્રની નીતિઓનું બેસણું પણ યોજતા જોવા મળી રહ્યા છે.

જો કે એક વાત ચોક્કસ કહેવી રહી કે આ બન્ને ઘટનામાં સામ્યતા એ છે કે, બન્નેમાં મુખ્ય પાત્ર જગતનો તાત છે અને ધરતી અને બીજ બન્ને મુદ્દે તેની નારાજગી દેખાઈ રહી છે. જેના કારણે તે આજે રસ્તા પર જોવા મળી રહ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં હજુ પણ ખેડૂતોના ધરણા કેટલાય સમયથી યથાવત છે.

વિરોધની વાત કરીએ તો ગઈકાલે ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગરના ચિલોડા ખાતે નેશનલ હાઇવે પર ધરણા કર્યા હતા. ખેડૂતોએ મોટી માત્રામાં એકઠાં થઈ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વે ગામોની જમીનો કપાતમાં જાય છે. અમને એનો કોઈ વાંધો નથી પરંતુ મળવું જોઈએ એટલું વળતર અમને મળતું નથી. આથી ખેડૂતો પોતાની આજીવિકા સમાન જમીન ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં આપવા તૈયાર નથી. ધરતી બચાવવા માટે ઝઝૂમી રહેલો ખેડૂત હજુ ઘરે જવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં હવે બીજના વધતા ભાવે અન્ય ખેડૂતોને ગાંધીનગરની વાટ પકડવા મજબૂર કર્યા છે.

તો બીજી તરફ રાજ્યમાં ઘઉંનું બીજ ઉત્પાદન કરતાં ખેડૂતો બીજનિગમની કચેરીએ પહોંચ્યા હતા. કેમ કે એક તરફ ખેડૂતોને ઉત્પાદિત કરેલા બીજના પોષણક્ષમ ભાવ મળતાં નથી તો બીજી તરફ બીજ કંપનીએ ખેડૂતોને આપવાના બીજના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ વાતને લઈને પણ વિરોધમાં ખેડૂતોએ બીજ નિગમની ઓફિસે પહોંચીને બેસણાનો કાર્યક્રમ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, અગાઉ કૃષિમંત્રીએ ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના બીજનો ભાવ 535 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ખેડૂતોને 650 રૂપિયા ભાવ મળે તો જ પોસાય તેમ છે.

 


Share this Article