ગાંધીધામના શૂટિંગ મહિલા ધારાસભ્ય માલતી મહેશ્વરી માટે આ વખતની વિધાનસભા ચૂંટણી કપરી જઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે રહ્યા પછી પણ પ્રજાના દિલમાં જગ્યા ન બનાવી શકનાર માલતી મહેશ્વરીને જનતાએ આડે હાથ લીધા છે. થોડા સમય પૂર્વે જ તેમના મતવિસ્તારના કોઈ વિકાસ કામના પ્રસંગોમાં પ્રજાએ તેમનો વિરોધ કરતા ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ ધારાસભ્ય માલતી મહેશ્વરી સાથે રહેલા ભાજપના અમુક લોકોએ સમજાવટથી કામ લઈને મામલો થાળે પાડ્યો હતો.
જોકે હવે વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી પાછાં માલતી મહેશ્વરીને પોતાના ઉમેદવાર તરીકે ગાંધીધામની બેઠક પરથી પસંદ કર્યા છે. પરંતુ કયા મોઢે જનતાની વચ્ચે જવું સંભવત તે માલતી મહેશ્વરીને પણ સમજાતું નહીં હોય! કહેવાય છે કે જનતાના કોઈ કામ કર્યા હોય તો જનતા આવકાર આપે બાકી પાણીનો પણ ભાવ ન પૂછે તેવી હાલત અત્યારે ગાંધીધામ મતવિસ્તારમાં માલતી મહેશ્વરીની જોવા મળી રહી છે. પાંચ વર્ષ સુધી ગાંધીધામની જનતાની સામે નજર સુદ્ધાં ન નાખનાર ધારાસભ્યને હવે અસુરક્ષા મહેસુસ થઈ રહી છે અને તેમની સુરક્ષા માટે દિલ્હીથી ખાનગી બાઉન્સરો મોકલવામાં આવ્યા છે.
જેમના સહારે તેઓ હવે પોતાના મતવિસ્તારમાં મત માગવા જઈ રહ્યા છે. જો કે તેઓ જ્યાં તેમનો વિરોધ થઈ શકે તેવી શક્યતા છે ત્યાં જવામાં ભારે ખૌફ સાથે અસુરક્ષા પણ વ્યક્ત કરી રહ્યા હોવાથી ત્યાં જવાનું ટાળવા મજબૂર બન્યા હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં ઉઠી છે. કચ્છ જિલ્લાની ગાંધીધામ વિધાનસભા મત ક્ષેત્રમાંથી ચૂંટણી લડતા માલતીબેન મહેશ્વરી પોતાના જ મત વિસ્તારના મતદારો પાસે મત માગવા માટે જઈ શકતા નથી.
કહેવાય છે કે પોતાના જ સંબંધી પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીની ટિકિટ કાપીને ભારતીય જનતા પાર્ટીમાંથી ગત ટર્મમાં ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા માલતી મહેશ્વરીએ પાંચ વર્ષ સુધી પ્રજાના સુખ દુઃખની કોઈ ચિંતા કરી નથી. એટલું જ નહીં તેમના મત ક્ષેત્રમાં આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શું મુશ્કેલી છે? પ્રજાજનોને કનડતી સમસ્યા શું છે?, જનતા કેવા પ્રકારના વિકાસ કામો ઈચ્છી રહી છે? વગેરે બાબતો કે જે એક ધારાસભ્યએ ધ્યાનમાં રાખવી જોઈએ.
તેવી કોઈ જ બાબતો ઉપર માલતી મહેશ્વરીએ ધ્યાન આપ્યું ન હોવાની ચર્ચા ગાંધીધામ મત ક્ષેત્રની પ્રજા કરી રહી છે. જનતાના કહેવા પ્રમાણે પાંચ વર્ષ ધારાસભ્ય પદે રહેવા છતાં માલતી મહેશ્વરીએ ગ્રામ્ય વિસ્તાર તો ઠીક પરંતુ શહેરી વિસ્તારોમાં પણ તેમની પીઠ થાબડી પ્રશંસા શકાય તેવા કોઈ જ કામો કર્યા નથી. જેને લઈને તેઓ જનતાની રોષનો ભોગ બનતા આવ્યા છે. એટલું જ નહીં તેઓએ ધારાસભ્ય બન્યા પછી પ્રજાજનો માટે કોઈ દી’ પોતાની વીઆઈપી એસીગાડીનો કાચ નીચે કરીને હાથ ઊંચો કરીને ‘કેમ છો?’
એવું પણ પૂછ્યું નથી એટલે આજે તેમને તેમના જ મત ક્ષેત્રમાં પ્રજાની વચ્ચે જવા માટે ભય સતાવી રહ્યો છે અને તેમને છેક દિલ્હીથી પોતાની સુરક્ષા માટે ખાનગી સલામતી રક્ષકો (બાઉન્સરો)બોલાવવા પડ્યા છે. ગાંધીધામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય માલતી મહેશ્વરીને પોતાના જ મતવિસ્તારમાં જનતા સમક્ષ મત માગવા જવા માટે સલામતી રક્ષકો (બાઉન્સરો)ની જરૂરિયાત ઊભી થઈ છે. જેને લઈને ગાંધીધામ વિસ્તારની પ્રજા કહી રહી છે કે જો માલતીબેને જનતાનું એક પણ કામ તેમને સંતોષ થાય તેવું કર્યું હોત તો તેમના આવા દિવસો ન આવ્યા હોત.
એટલું જ નહીં ગાંધીધામ પંથકમાં એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં ચૂંટણી લડતાં 182થી પણ વધુ ઉમેદવારોમાં માલતી મહેશ્વરી પહેલા એવા ધારાસભ્ય હશે કે જેમને પોતાના જ મતવિસ્તારમાં જવા માટે સલામતી રક્ષકો ની જરૂર પડી હોય! ગાંધીધામ વિધાનસભા મત ક્ષેત્રના મહિલા ધારાસભ્ય માલતી મહેશ્વરી ખાનગી સલામતી રક્ષકો સાથે પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેને લઈને જનતામાં અનેક પ્રકારની ચર્ચાઓ ઉઠી રહી છે. પ્રજાજનો કહી રહ્યા છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે અને ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની ઢોલ પીટી પીટીને કયા મોઢે વાતો કરી રહ્યો છે.
જેમની પાર્ટીના મહિલા ધારાસભ્ય ખુદ અસુરક્ષિત હોય તો પછી પ્રજામાંથી આવતી સામાન્ય મહિલાઓની સુરક્ષા કેવી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. ગાંધીધામના સીટિંગ ધારાસભ્ય માલતી મહેશ્વરીને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના જ મતવિસ્તારની પ્રજા તેમના પર હુમલો કરીને તેમને નુકસાન પહોંચાડશે તેવો ભય સતાવી રહ્યો હોવાની ચર્ચા ખુદ તેમના જ આગળ પાછળ ફરતા ભાજપના કાર્યકરો કરી રહ્યા છે. જોકે આ કાર્યકરો એમ પણ કહેતા ફરે છે કે ‘મેડમજી’ પાંચ વરસના એકાદ વર્ષના પણ વચલા દિવસે પ્રજાજનોની વચ્ચે ગયા હોત તો તેમના આ દિવસો ન આવ્યા હોત.
ધારાસભ્ય ‘મેડમજી’ની સુરક્ષા માટે દિલ્હીથી આવેલા ખાનગી બાઉન્સરો કાળા કપડા, કાળા ચશ્મા અને કાયદાનો ભંગ કરતી કાળી ફિલ્મ લગાવેલી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં સવાર થઈ નીકળી પડતાં હોવાની ચર્ચા વચ્ચે જાણકારો ત્યાં સુધી કહે છે કે માલતીબેન આવે એટલે એમનો દબદબો જોઈને જાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં જે રીતે તેમની સુરક્ષા માટે સલામતી રક્ષકો હોય છે. તેવી ફીલિંગ જોવા મળતી હોય છે.