મોરબીમાં માલધારી સમાજ અંગે ભાગવત સપ્તાહના વ્યાસપીઠ પરથી કથાકાર રમેશ ઓઝાએ ટિપ્પણી કરી હતી. આ બાદ આ નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે આખરે રમેશ ઓઝા માંફી માંગી હોવાની વાત સામે આવી છે. માલધારી સમાજની માફી માંગતા તેમણે કહ્યું છે કે, ‘મારે કાન પકડવો પડે, મારાથી એક શબ્દ બોલાઈ ગયો માલધારી. એક સમાજને ટાર્ગેટ કરીને બોલાયું હોય એવો મેસેજ ગયો. એમાં તમારો વાંક નથી મારો વાંક છે. મારે ત્યાં પશુપાલકો બોલવાની જરૂર હતી.’
આ સાથે તેમણે કહ્યુ છે કે ‘વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે તે કોઈ સમાજ વિશેષને ધ્યાનમાં રાખીને નથી કહેવાતું. આ સાથે આ સમસ્યા અંગે વાત કરતા કહ્યુ કે હાઈકોર્ટે પણ નોંધ્યું છે અને નરીઆંખે દેખાય છે કે રસ્તાઓ ગૌશાળા બનેલા છે અને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. જનકલ્યાણની વાતો કરતા લોકો થોડુ જનતાની માટે પણ વિચારો. પાર્ટીની નહી, જનતાના કલ્યાણની વાત છે.
રમેશ ઓઝાએ રઝડતા પશુઓ અંગે પાલકોને કહ્યુ હતુ કે ‘નગર-નગરના રસ્તા-રસ્તા ગૌશાળા બની ગયા છે. માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે તમે દૂધ પીવાનું બંધ કરો, ગૌ સેવા કર્યા વગર તેનું દૂધ પીશો તો તે પચશે નહીં.’ અને આ નિવેદન બાદ ભારે વિવાદ સર્જાયો હતો.