સરકાર આમ જનતાને લોલીપોપ આપવા માટે વખણાઈ છે. ત્યારે હવે તો પોલીસને પણ સરકાર લોલીપોપ આપવાનું શીખી ગઈ છે. હાલમાં જ બનેલી તાજી ઘટના વિશે વાત કરીએ તો સ્વતંત્રતા પર્વ ઉજવણીની આગલી સાંજે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 550 કરોડનું ભંડોળ ફાળવ્યાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને 11 દિવસ વિતવા છતાં હજુ સુધી પોલીસ કર્મચારીઓ માટે નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતો જી.આર.નો કોઈ જ અત્તો પત્તો નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવી સરકાર બનવાના એક માસ બાદ જ પોલીસ કર્મચારીઓએ ગ્રેડ-પે મામલે આંદોલન શરૂ કર્યું હતું. જો કે આ આંદોલનને શાંત કરવા સરકારે કમિટીની રચના કરી જેણે પોલીસ માટે ગ્રેડ પે જાહેર ના થાય ત્યાં સુધી વચગાળાનું ભથ્થું આપવાની ભલામણ કરી હતી.
જો કે ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા તો એવી છે કે ભલામણ કર્યાને પણ 4 મહિના વિતવા છતાં લાભ મળે એવી તકની રાહ જોતી ગુજરાત સરકાર જાહેરાત કરે એ પહેલાં જ અરવિંદ કેજરીવાલે પોલીસને ગ્રેડ પે આપવા અંગે નિર્ણય જાહેર કરતાં જ સફાળી જાગેલી સરકારે તાત્કાલિક પગાર ભથ્થાંની જાહેરાત કરી હતી. સાથે જ એ પણ કડવી વાસ્તવિકતા છે કે રાજ્ય સરકારે પગાર વધારાને લગતો કોઈ પણ પ્રકારનો જીઆર હાલ સુધી નથી કર્યો. હવે પોલીસ કર્મચારીઓને આગામી મહિને એટલે કે ઓગસ્ટ માસના પગારમાં પગાર વધારાનો લાભ નહિ મળે એ વાત તો નક્કી છે. એ જ રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 14 ઓગસ્ટના રોજ સુરત ખાતેથી પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ.550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હતું.
પોલીસ જવાનો માટે સંઘવીએ વાત કરી હતી કે નિયુક્ત કમિટીનો આખરી અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને 30 એપ્રિલ 2022ના રોજ સુપ્રત કરાયો હતો. રાજ્ય સરકારના નિર્ણયથી આ પોલીસકર્મીઓને વાર્ષિક 64,000 થી 96,000 સુધીનો પગાર વધારો મળશે.
જો કે બન્યું એવું કે સરકારે 14 ઓગસ્ટે તો આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી. પરંતુ જાહેરાત સંબંધિત પરિપત્ર હજુ બહાર પાડ્યો નથી. ત્યારે હજુ પણ પોલીસ કર્મચારીઓને આર્થિક પેકેજનો લાભ મેળવવા માટે રાહ જોવી પડશે. જો કે હાલમાં તો ખાલી આટલી માહિતી મળે છે કે પોલીસ કર્મચારીઓને તેનો લાભ દિવાળી આસપાસ મળતો થાય તેવી જાણકારી ગૃહ અને નાણાં વિભાગ તરફથી મળી રહી છે.