ગુજરાતમાં IMAના ડોક્ટરોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ નવો છે, એની પ્રસરવાની ગતિ પણ વધારે છે. અહીં બે પ્રકારના ડેલ્ટા, એક આલ્ફા UK અને એક બીટા સાઉથ આફ્રિકા વેરિયન્ટ હોવાથી નવા આવેલા ઓમિક્રોન સાથે મ્યૂટેનના જોખમને નકારી શકાય એમ નથી. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસો પાંચ હજારનો આંક વટાવ્યો છે. બીજી તરફ સરકારે કડક નિયંત્રણો લાદ્યાં છે. રાજ્યમાં કોરોનાની સાથે ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે. આ સંજોગોમાં નવો સુપર વેરિયન્ટ સર્જાયો તો ત્રીજી લહેરમાં કોરોના ઘાતક બનવાનું નિશ્ચિત છે, જેને કારણે વૃદ્ધો અને કોમોર્બિડ અવસ્થા ધરાવતા નાગરિકો પર સંક્રમણનું જોખમ વધી જશે. જેથી વૃદ્ધો અને કોમોર્બિડ લોકો માટે સતર્ક રહેવું જરૂરી છે.
ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં નવા ઉમેરાયેલા કેસોનાં સેમ્પલ સર્વેક્ષણના જીનોમ સિક્વન્સિંગમાં ડેલ્ટા વેરિયન્ટનું પ્રમાણ 69 ટકાથી ઘટીને 47 ટકા થઈ ગયું હતું, જ્યારે ઓમિક્રોનનું પ્રમાણ 12 ટકાથી વધીને 48 ટકાને પાર કરી ગયું હતું. સરકાર સૌથી વધુ ડેલ્ટાની ચિંતા કરતી હતી, પરંતુ એની જગ્યાએ ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી પ્રસરવા માંડ્યો અને કોમ્પ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થઈ ગઈ. ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી પછીના 37 દિવસમાં જ કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે એમાં સૌથી મોટો ઉછાળો છેલ્લા એક સપ્તાહમાં આવ્યો છે, જેને કારણે ત્રીજી લહેરે પીક પકડી છે.
જો સરકારે વિદેશથી આવનારા મુસાફરો અંગે સતર્કતા દાખવી હોત તો ઓમિક્રોન વેરિયન્ટથી કોમ્યુનિટી સ્પ્રેડની શરૂઆત ના થઈ હોત. હવે સરકારની આ ભૂલ ગુજરાતને ભારે પડી છે. રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ પહેલી ડિસેમ્બરે નોંધાયો હતો, જેના 21 દિવસ પછી ડેલ્ટા કરતાં ઓમિક્રોન પ્રસર્યો હોવાનું સ્પષ્ટ થયું તજજ્ઞોના અહેવાલમાં સ્પષ્ટ થયું છે. બીજી તરફ આ વેરિયન્ટ જેમણે દેશ કે રાજ્ય બહાર પ્રવાસ નથી કર્યો કે પછી આવા કોઈ પ્રવાસીના સંપર્કમાં આવ્યાં નથી તેવા સામાન્ય નાગરિકોમાં પણ પ્રસરી રહ્યો હોવાનું તજજ્ઞોએ તેમના અહેવાલમાં તારણ બાંધ્યું છે.