દરરોજ વધતાં કોરોનાના કેસ આજે ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે, સાથે જ ઓમિક્રોનના વધતાં કેસ પણ દહેશત ફેલાવી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 4213 કેસ નોંધાયા છે તો સાથે એક્ટિવ કેસનો આંક વધીને 14, 346 થયો છે. એક જ દિવસમાં સાજા થનાર દર્દીમાં 264%નો વધારો થતો જોવા મળી રહ્યો છે.જેને પગલે સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે વર્ચ્યુઅલ સુનાવણી થશે.
ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અને આ રજૂઆતમાં કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાલમાં હાઇકોર્ટની SOPને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચલાવવાની રજૂઆત કરી હતી. જેના કારણે ગુજરાત HCને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. સોમવારથી હાઈકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. મહામારીને કારણે આ પહેલા 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.