હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભારે ચર્ચા થઈ રહી હતી કે તે આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. હવે આ વાત સાચી સાબિત થઈ છે. હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવા સમાચાર સામે આવતા ગુજરાતનાં રાજકારણમાં ઉથલપાથલ મચી છે. 2 જૂનના રોજ હાર્દિક કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે કેસરીયો ખેસ પણ ધારણ કરી લેશે.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે. આ સિવાય થોડા દિવસો પહેલા પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણકરતા હાર્દિક પટેલ સંભળાયો હતો. આ પછીથી તેની ભાજપમાં જોડાવાની વાતોએ વેગ પકડ્યો હતો અને જેના પર હવે મહોર લાગી ચૂકી છે.
હદિકે જણાવ્યું હતું કે તે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. આ સિવાય રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું જેવી વાતો પણ હાર્દિકે કરી હતી.