ગુજરાતમાં એક ગામની મહિલા સરપંચ અને તેના પતિની બુધવારે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને વ્યક્તિઓ પર કોન્ટ્રાક્ટર પાસેથી કથિત રીતે લાંચ માંગવાનો અને રૂ. 1.5 લાખ સ્વીકારવાનો આરોપ છે.
એસીબીના જણાવ્યા અનુસાર, આરોપી સરપંચે કોન્ટ્રાક્ટર પાસેથી રૂ. 4 લાખ રોકડા, બે આઇફોન, ત્રણ સ્માર્ટફોન અને કેટલીક ઘરવખરીની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટરને તાજેતરમાં દેવભૂમિ-દ્વારકા જિલ્લાના વાડીનાર ગામમાં IOCLના કેન્દ્રમાં સાઇટ ડેવલપમેન્ટ અને બાઉન્ડ્રી વોલના બાંધકામ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
બ્યુરોએ જણાવ્યું હતું કે વાડીનાર ગામના સરપંચ હુસૈનબાનો સંધાન અને તેના પતિ અબ્બાસ સંધરે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગી હતી જેથી તેને કામ શરૂ કરવા દેવા અને ભવિષ્યમાં મુશ્કેલી ન સર્જાય. શરૂઆતમાં કોન્ટ્રાક્ટર અને તેના બિઝનેસ પાર્ટનર લાંચ આપવા સંમત થયા હતા.
કોન્ટ્રાક્ટરે સરપંચને રૂ. 50,000 રોકડા, ત્રણ સ્માર્ટફોન અને ઘરવખરીનો સામાન આપ્યો હતો. જ્યારે આરોપીએ સાડા ત્રણ લાખ રૂપિયા અને બે આઈફોન આપવાનું કહેતાં તેણે આ રકમ હપ્તે આપવાનું કહ્યું હતું. રાજકોટમાં બુધવારે રૂ.1.5 લાખ રોકડા અને બાદમાં આઇફોન આપવા સંમત થયા હતા.
ત્યારબાદ કોન્ટ્રાક્ટરે એસીબીની રાજકોટ ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. કોન્ટ્રાક્ટરે સરપંચને રાજકોટ શહેરની એક હોટલમાં બોલાવ્યા હતા. અહીં કોન્ટ્રાક્ટર પાસેથી દોઢ લાખ રૂપિયા રોકડા લેતા એસીબીએ સરપંચ અને તેના પતિની ધરપકડ કરી હતી.