હાલમાં ગુજરાતમાં શિયાળા સાથે સાથે સોમાચુ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એવામાં ઠેર ઠેર વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મંગળવારથી જિલ્લામાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન હળવા છાંટા પડ્યા બાદ બપોરે તડકો નીકળ્યો હતો અને મોડી સાંજ સુધી મહદંશે વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. ત્યાર બાદ પુનઃ વાદળો જામ્યા હતા અને આજે સવારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે.
ત્યારે વિગતે વાત કરીએ તો જિલ્લાના કલ્યાણપુરમાં દોઢ અને ખંભાળિયા તાલુકામાં પોણો ઈંચ કમોસમી વરસાદ વરસ્યો છે. આજે સવારે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં 40 મિમી અને ખંભાળિયા તાલુકામાં 15 મિમી વરસાદ પડ્યો છે. આ સાથે ભાણવડ તાલુકામાં ત્રણ અને દ્વારકા તાલુકામાં બે મિમી. વરસાદ નોંધાયો હોવાના પણ સમાચાર મળ્યા છે. સવારના ધોધમાર વરસાદી માવઠા બાદ વાતાવરણ ખુલ્લું બન્યું હતું. જો કે આ બધા વચ્ચે ખેડૂતોમાં ચિંતાના વાદળો જામ્યા હતા અને મોલ બગડવાની બીક લાગી રહી છે.