હાલમાં લગ્નનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં જે પણ કંઈ ઘટના ઘટી એની ચર્ચા હવે દેશ વિદેશમાં થવા લાગી છે. કારણ કે આવો કિસ્સો ગુજરાતમાં પહેલીવાર બન્યો છે. જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકાસ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને પછી લગ્ન સુધી વાત આવી હતી. બન્ને પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યાં હતાં અને જ્યારે લગ્નવિધિ ચાલતી હતી ત્યારે જ કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કર્યો અને એ બબાલ એટલે પહોંચી કે બન્ને પરિવારો અલગ થયા અને પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. જેના લીધે જાન લીલાં તોરણે પાછી ફરી હતી.
વિગતે વાત કરીએ તો આ બન્નેના લગ્ન તા. 20ના રોજ યોજાયા હતા. તેમનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં રાખવામાં આવ્યો હતો.જેમાં વર્ષોથી એક પરંપરા ચાલતી આવતી હતી કે લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવામાં આવે છે. તે પરંપરાની વિધિ શરૂ કરાઇ હતી. એમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાની મનાઈ કરી હતી, પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવીને તેમણે માત્ર વરરાજાના નાકને બસ જરાજ ક સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીનાં પરિવારજનો સહન ન કરી શક્યા અને વરરાજાના કાકા સહિતનાં પરિવારજનોએ ભાવિ સાસુમાને બરાબરની ઘઘલાવી હતી.
જ્યારે આ સમગ્ર બબાલ થઈ ત્યારે માહોલ એકદમ ગરમાઈ ગયો હતો. દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ હતી અને ભારે રકઝક પછી તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હોવાનું જોવા મળ્યું હતું. પોતાની માતાનું અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી મોકલી દેવામાં આવી હતી.