મહેસાણાનાં 19 વર્ષના કિન્નર સાથે ઇન્સ્ટાગ્રામ થકી ગાઢ સંબંધો કેળવી વિશ્વાસ સંપાદન કરીને ગાંધીનગરના આદિવાડા ગામના શખ્સે એક કિલો ચાંદીના છડા, બે તોલાની સોનાની બુટ્ટીઓ, બે તોલાનો સોનાનો દોરો તેમજ દોઢ લાખ રૂપિયા ચાંઉ કરી હાથ અધ્ધર કરી છેતરપિંડી આચરવાનો ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં સેકટર – 21 પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે તેને જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કરાયો હતો. જેનાં પગલે કિન્નરે પિત્તો ગુમાવી દઈ કોર્ટ કેમ્પસમાં કપડાં ઉતારી દેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ દિલ્હીનો વતની રીતિકા ઠાકુર નામનો કિન્નર હાલમાં મહેસાણાનાં ખેરવા ગામે કેનાલની બાજુના ખેતરમાં રહી મજૂરી કામ કરે છે. જેને નાનપણથી જ કુદરતી રીતે કિન્નર બનવાનો શોખ હોવાથી છ વર્ષ પહેલા તેણે ઘર છોડી દીધું હતું. બાદમાં સુરત બારડોલી વિસ્તારમાં આવેલ નવ દુર્ગા સોસાયટી,મહાવીર સ્કૂલ, મહાકાળી માતાના મંદિરની બાજુમાં આવેલ કિન્નરોના અખાડામાં રહેવા આવી ગયો.
જ્યાં તેના ગુરુ પુનમ નાયક હતા. જેમના સંબંધી ભરતજી અજમલજી ઠાકોર અખાડામાં પણ આવતો હતો. તો રિતિકા પણ તેના ગુરૂ સાથે ભરતજીનાં ઘરે ખેરવા આવતો જતો રહેતો હતો. જેથી તેણે ભરતજી ધર્મનો ભાઈ બનાવ્યો હતો. દોઢેક વર્ષ પહેલા રીતિકાને ઇન્સ્ટાગ્રામ ઉપર લાલસિંહ શંભુસિંહ ડાભી (રહે. આદિવાડા) સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. અને સમય જતાં બન્ને વચ્ચે ગાઢ સંબંધો પાંગર્યા હતા.આ દરમ્યાન ગુરુનું અવસાન થતાં રિતિકાને અખાડામાંથી તગેડી મૂકવામાં આવ્યો હતો. જેથી તે ધર્મનાં ભાઈ ભરતજી ઠાકોરના બોર કૂવા પર રહેવા આવી ગયો હતો. અને ગાંધીનગરના લાલસિંહ ડાભી સાથે ગાઢ સંબંધ પ્રસ્થાપિત થયા હોવાથી તેના ઘરે પણ આવતો જતો હતો. બાદમાં લાલસિંહ ડાભીએ વિશ્વાસ સંપાદન કરીને દોઢ લાખ રોકડા, બે તોલાની સોનાની બુટ્ટી તથા બે તોલાનો સોનાનો દોરો તથા એક કિલો ચાંદીના પગના છડા લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી.
જે મામલે સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને લાલસિંહ ડાભીને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં કોર્ટે આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ બાબતે રિતિકા આરોપીની પાછળ દોડી હતી. અને તેના વકીલનાં ટેબલ આગળ એકાએક કપડાં ઉતારી નાખ્યાં હતાં. આ ઘટનાના પગલે વકીલ – અસીલો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.