પાલનપુર(ભવર મીણા): ઉત્તરાયણ બાદ દિવસના સમયમાં ફેરફાર સાથે ઠંડીના ચમકારામાં ઘટાડો થતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે હાડ થીજવતી ઠંડી પીછો છોડતી ન હોય તેમ પુન: ઠંડીનો પારો ગગડીને માઇનસમાં જતો રહેતા લોકો ગાત્રો થીજવતી ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી અપાઈ હતી અને બે દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યા બાદ લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહિત બનાસકાંઠાના લોકોએ પુન: કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડા સાથે માઇનસમાં નોંધાતા ખુલ્લા મેદાન સહિત વાહનો અને બહાર પડેલા પાણીના પત્રોમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે , માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ તેમજ નક્કી લેક તેમજ બાગબગીચાઓમાં બરફ જામી ગયો હતો. ઠંડીથી બચવા લોકો દિવસ ભર ગરમ વસ્ત્રો તેમજ તાપણાનો આશરો લેવા મજબુર બન્યા હતા.