કામના સ્થળે શોષણનું પ્રમાણ વધી રહ્યું છે. મહિલા ગભરાયેલી હોય તો તેનો અવાજ દબાઈ જાય છે, પરંતુ કેટલીક મહિલાઓ હિંમતપૂર્વક કામના સ્થળે આવતી આવી મુશ્કેલીઓનો સામનો કરે છે. વાપીનો એક એવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કંપનીમાં કામ કરતી સુપરવાઈઝર મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાના ઈન્ચાર્જ સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૬ વર્ષીય પરિણીત મહિલા એક મહિના પહેલા વાપી મોરાઈની એક કંપનીમાં નોકરીમાં જાેડાઈ હતી. મૂળ દમણનો સમાધાન ધુલે નામનો શખ્સ મહિલાની કંપનીમાં ઈન્ચાર્જ તરીકે કાર્ય કરે છે. ૨૬ ડિસેમ્બરના રોજ મહિલા પ્રોસેસિંગ વિભાગમાં વર્કરોની એટેન્ડન્સ લેવા માટે ગઈ હતી. ત્યારે સમાધાન ધુલે ત્યા આવ્યો હતો. તેણે મહિલાને બિઝનેસ સેન્ટર રૂમમાં બોલાવી હતી.
તેના બાદ આઉટડોર પાસે આવેલ દાદરા પાસે મહિલાને લઈ ગયો હતો, જ્યા તેણે મહિલાના શરીર પર હાથ ફેરવવાની શરૂઆત કરી હતી. ગભરાયેલી મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી, અને બાદમાં બે દિવસ સુધી ઓફિસ આવી ન હતી. આ પહેલા પણ ઈન્ચાર્જે પરણિત મહિલાને એકાંતમાં બોલાવીને પૂછ્યુ હતું કે, મેં તને નોકરી અપાવી છે, તો તમે મારા માટે પર્સનલી શુ કરી શકો છો.
આમ, ઈન્ચાર્જ યુવકે વારંવાર મહિલાની છેડતી કરી હતી. મહિલાએ ઘરે જઈને પતિને સઘળી વાત જણાવી હતી. જેથી હિંમત કરીને મહિલાએ ઓફિસના ઉપરી અધિકારીઓને ઈન્ચાર્જ દ્વારા કરાયેલી છેડતી વિશે વાત કરી હતી. પરંતુ ઉપરી અધિકારીઓએ આ વિશે કોઈ પગલા લીધા ન હતા. જેથી મહિલાએ બુધવારે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.