ભરતી કૌભાડનો મુદ્દો હજુ પણ સળગતો છે ત્યારે ફરી એક વાર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. અને આ કૌભાંડે આ વખતે એક વ્યક્તિનો જીવ લીધો છે. પીજી-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવતાં અને ઘણાને માત્ર 265 માર્કે પણ ક્વોલિફાય થતાં જોઈ અડાજણના તબીબ યુવકે ફાંસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી હોવાનું સામે આવ્યું છે.
મૃતક ડો. શ્રેયસની માતાએ જણાવ્યું કે પીજી, નીટની પરીક્ષામાં મારા દીકરાના 435 માર્ક હોવા છતાં તેનું નામ મેરિટમાં આવ્યું ન હોવાથી તેમણે આવું પગલું ભરી લીધું. અડાજણ સુરભિ રો-હાઉસ ખાતે રહેતા ડો. શ્રેયસ દીપકકુમાર મોદી (26)ના પિતા હીરાના વેપારી છે. ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે MD (એનેસ્થેસિયા)માં પ્રવેશ મેળવવા નીટની તૈયારી કરી હતી. જોકે સોમવારે નીટનું મેરિટ લિસ્ટ જાહેર થયું, આ લીસ્ટમાં તેમનું નામ ન હોવાથી તેઓએ હતાશ થઈને સોમવારે સાંજે રૂમનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ પોતાની જિંદગી ટૂંકાવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસે આ મામલે સમગ્ર તપાસ હાથ ધરી હતી. પરિવારે જણાવ્યું હતું કે સાંજે 5:50એ મેરિટ જોયું અને 10 જ મિનિટમાં આપઘાત કર્યો હતો. લિસ્ટ જોઈને શ્રેયસ ભારે હતાશ થઈ ગયો હતો.