ગુજરાત સરકારના દરેક વિભાગમાં ચૂંટણી પહેલા સાગમટે બદલીની મોસમ ચાલી રહી છે. હવે કોર્પોરેશનના અધિકારીઓના પણ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.અમદાવાદ મનપામાં લાંબા સમયથી એકની એક ફરજ બજાવતા કર્મીઓની બદલીના આદેશ ફાટી ચૂક્યા છે.
૧૦૦૦ દિવસ કરતા વધુ સમયથી એક પદ પર રહેલા કુલ ૬૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે.અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં કર્મીઓની બદલી કરવા ર્નિણય કરાયો હતો જે મુજબ ૨૭૬ જુનિયર ક્લાર્ક, ૧૫૨ સિનિયર ક્લાર્ક તેમજ ૨૧ હેડ ક્લાર્કની બદલી અને ૪૩ હેડ ક્લાર્ક બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
ગત ૧૫ જૂને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર વચ્ચે આજે રાજ્યના ૩૨ જેટલા ચીફ ઓફિસરની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી હતી. જેને પગલે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા સહિત અનેક નગરપાલિકામાં લાંબા સમયથી ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા ભરાઈ છે.
તો અનેક નગરપાલિકાઓને નવા ચીફ ઓફિસર મળ્યા છે. નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, અમદાવાદ ખાતે ફરજ બજાવતા નરેશ પટેલને મહેસાણાના કડીમાં મુકાયા છે. વધુમાં નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનર કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા તિલક શાસ્ત્રીને રાજકોટ ખાતે ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત બરવાળા, હાલોલ, માંગરોળ, જામજાેધપૂર, સુત્રાપાડા, ચોટીલા, જશદણ, વિસનગર સહિતના અનેક નગરપાલિકાઓના ચીફ ઓફિસર બદલાયા છે.