પીઠ પાછળ ઘા કર્યા છે, મરદ હોય તો સામી છાતીએ આવે, ખબર પડે… સોમનાથમાં સાંસદ પર જ BJPના ઉમેદવારે લગાવ્યા ગદ્દારીના આરોપ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

વિધાનસભાની ચૂંટણી હવે પુરી થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. ત્યારે હવે છેક ઘણાના ડખા બહાર આવે છે અને એવી જ કંઈક વાત છે ગીર સોમનાથ વિધાનસભાની કે જ્યાં કોંગ્રેસના વિમલ ચુડાસમા જીતી ગયા છે અને ભાજપના નેતાની હાર થઈ હતી. ચૂંટણી પરિણામ બાદ સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ આભાર દર્શન કાર્યક્રમમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો, કારણ કે નેતાઓ સામસામે નિવેદનો કરવા લાગ્યા અને ભાષાનું પણ ધ્યાન રહ્યું ન હતું.

આભાર દર્શનમાં પરાજીત ઉમેદવાર માનસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે એકબીજા પર બળાપો કાઢ્યો હતો. માનસિંહ પરમારે પોતાની ભડાશ કાઢતા વાત કરી હતી કે આજીવન હું આવા લોકોને માફ કરવાનો નથી. સમય આવે એટલે આ તમામનો હિસાબ પુરો કરીશ અને ખબર પણ પડશે કે તેમણે શું પાપ કર્યા છે. મારા એક સાથે નહીં પરંતુ 2 લાખ 62 હજાર મતદારો સાથે આ લોકોએ પાપ કર્યું છે. તેમને ક્યારેય માફ કરવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ પણ આ વખતે માફ કરવાના જરાય મૂડમાં નથી.

તો વળી પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે જાહેર મંચ પરથી કહ્યું કે, મિત્રો હાર-જીત તો થયા કરે. પણ આમણે પાછળથી ઘા માર્યા છે. મરદના દીકરા હોય તો સામી છાતીએ આવે. રૂપિયા લઈ ગયા છે, માગ્યા એટલા રૂપિયા મે આપ્યા છે. છતાં પણ ગદ્દારી કરી છે. આ પરિવારે ક્યારેય ગદ્દારી કરી નથી. 2019માં લોકસભાની ચૂંટણી વખતે મારા સમાજના દરેક આગેવાનો રાજેશભાઈની સામે હતા. મેં મીટિંગ કરીને રાજેશભાઈને કારડિયા રાજપૂત સમાજના 80 ટકા મત અપાવ્યા હતા. આ પરિવારના સંસ્કાર માનસિંગ ભાઈમાં છે. એટલે મારી વિનંતી છે કે આવા ગદ્દાર લોકોને ક્યારેય માફ ન કરતા. 900 મત એટલે મામૂલી મત કહેવાય સામાન્ય મતે હારની ખબર હોત તો ધાડ પાડીને પણ મત કાઢી આવત. પક્ષના જ અમુક ગદ્દારોને કારણે પરાજયનો થયો છે.

 


Share this Article