હાલમાં જ 12 કોમર્સમાં CBSE બોર્ડનું પરિણામ આવ્યું એમાં અમદાવાદના એક એવા વિદ્યાર્થીનો શાળામાં પહેલો નંબર આવ્યો કે જેમની કહાની સાંભળી તમારા આંખમાંથી આંસુ પણ આવી જશે અને હિંમત્ત પણ આવી જશે. આ વિદ્યાર્થીનું નામ એટકે મિત્રાંશુ પ્રતિકભાઈ શાહ. નિર્માણ હાઈસ્કુલ વસ્ત્રાપુરમાં 12 કોમર્સમાં CBSE બોર્ડમાં આ વર્ષે પરીક્ષા આપી અને શાળામાં 96.60 ટકા સાથે પહેલા નંબરે તેમજ અમદાવાદમાં ટોપ-10માં ચમકી પરિવારમાં નામ રોશન કર્યું. પણ અફસોસ કે જેમની મહેનત અને જેમને સૌથી વધારે આ પરિણામથી હરખ થાય એવા પરિવારના વડલા સમાન પિતાજી પ્રતિકભાઈ શાહ આ ખુશી જોવા માટે હાજર નહોતા. પરંતુ પ્રતિકભાઈ શાહ જ્યાં પણ હશે મિત્રાંશુની મહેનત અને પરિણામ જોઈને 100 ટકા હરખાતા હશે.
મેઈન નળી 98 ટકા બ્લોક નીકળી
આ છોકરાનું પરિણામ જોઈને હિંમત્ત એટલા માટે આવે કે જ્યારે પરીક્ષા ચાલતી હતી ત્યારે એમણે એમના પિતાને ખોઈ દીધા. પિતાની તબિયત વિશે વાત કરીએ તો પ્રતિકભાઈ શાહને વાયરલ ઈન્ફેક્શન હતું. તબિયત ખરાબ રહેતી. એ જ સમયમાં મિત્રાંશુની પરીક્ષા શરૂ થઈ એટલે એમને લેવા મુકવા જવું પડે. જેથી તડકાના કારણે અને બહાર જવાના કારણે તબિયત વધારે બગડી. સારવાર કરી તો ઈન્ફેક્શન તો મટી ગયું પણ ગાલ પર ફોડકી થઈ. જેના કારણે ખાવાનું ઓછું થયું અને શરીરમાં અણશક્તિ આવતી ગઈ. પછી ગાલ ધીરે ધીરે વધારે સોજવા લાગ્યો અને છાતીમાં દુખાવો પણ ઉપડ્યો. આ વચ્ચે જ ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર માટે જરૂરી દવાઓ શરૂ રાખી. પરંતુ રિપોર્ટ પર રિપોર્ટ કર્યા ત્યારે ખબર પડ કે મેઈન નળી 98 ટકા બ્લોક છે. પછી એમનું પણ ઓપરેશન કર્યું અને એ પણ સારૂ થઈ ગયું. જો કે ખાવાનું વધારે ના ભાવતું. આ બધાની વચ્ચે 13 માર્ચ અણશક્તિ વધારે આવવા લાગી. થોડી દવા લીધી અને નક્કી કર્યું કે સવારે બતાવી આવશું. કારણ કે 17 માર્ચે તો દવાખાને બતાવવા જવાની તારીખ હતી જ.
અચાનક જ પરિવાર પર મુસીબતનું આભ તૂટ્યું
હવે કુદરતને કરવું અને 14 માર્ચે જ્યારે પત્ની પૂર્વી શાહ નાસ્તો લઈને આવ્યા તો પ્રતિકભાઈ બેડ પર આડા પડ્યા હતા. એટલે પૂર્વીબેનને એવું થયું કે તેઓ રાત્રે ઉંઘ નહીં થઈ હોય એટલે સુતા હશે. પરંતુ સમય ઘણો પસાર થઈ ગયો છતાં ઉભા ન થયા અને પછી પૂર્વીબેનને કઈક અજૂગતું લાગ્યું. ઘણા ઉઠાડ્યા પણ ઉઠ્યા નહીં. પછી તરત જ પૂર્વીબેને ભાઈને કોલ કરીને બોલાવ્યો અને 108ને પણ કોલ કર્યો. એક ડોક્ટર મિત્ર હતા એમને પણ તાત્કાલિક બોલાવ્યા. 108 પણ આવી ગઈ અને દવાખાને લઈ ગયા. ત્યાં રિપોર્ટ કર્યા તો ખબર પડી કે પ્રતિકભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા, પરિવાર પર અચાનક જ દુખનો પહાડ તૂટી પડ્યો. એક તરફ મિત્રાંશુ અને એમની બહેનની પણ પરીક્ષા શરૂ હતી.
મિત્રાંશુએ વિચાર્યું એ બધા ન વિચારી શકે
ઘરમાં પરિવારના અને સગા વ્હાલા બેસવા આવે. સંતાનની પરીક્ષા હોવાના કારણે બેસણું પણ પછીની તારીખમાં જ રાખ્યું હતું. સામાન્ય રીતે માણસો આવી પરિસ્થિતિમાં ભાંગી પડતા હોય છે. ત્યારે પરીક્ષામાં અધવચ્ચે પિતાના અસવાન વચ્ચે મિત્રાંશુભાઈએ હિંમત્ત રાખી. તેઓ કહે છે કે, મારું પણ મન એકદમ ભાંગી જ પડ્યું હતું. થોડીવાર તો એવું થયું કે પરીક્ષા નથી આપવી. પરંતુ પછી મે નિંરાતે વિચાર કર્યો કે આખરે આ તો ભગવાનનો નિર્ણય હતો. મારા પપ્પા પણ મારી પાછળ તનતોડ મહેનત એટલા માટે કરતા કે હું પરીક્ષામાં સારું પરિણામ લાવું અને આગળ વધું. બસ મે આવો વિચાર કર્યો, એમની મહેનતનો વિચાર કર્યો, મને જે લોકોએ સપોર્ટ કર્યો એમનો વિચાર કર્યો, પરિવારનો વિચાર કર્યો અને પહેલા પપ્પા સાથે હતા અને હવે પપ્પા પાસે છે એવું ધારીને પહેલા કરતાં વધારે મહેનત કરી અને આજે પરિણામ તમારા સામે છે. બસ મે એવું જ વિચાર્યું તે મારા પપ્પાએ જે કર્યું એમને ફળ આપવાનો હવે સમય આવી ગયો છે. આ પરીક્ષાનું પરિણામ અને આગળ પણ આના કરતાં સારું પરિણામ લાવી મારા સ્વર્ગસ્થ પિતાને હું ખુશ કરતો રહીશ.
મિત્રો, પરિવાર અને શિક્ષકોએ ખુબ સપોર્ટ કર્યો
પ્રતિકભાઈના પત્ની પૂર્વીબહેન કહે છે કે એ સમયે હું ખુદ પણ ખુબ જ વ્યથિત થઈ ગઈ હતી, પરંતુ દીકરો જાતે જ આ બધામાંથી બહાર આવી આજે ખુબ સરસ પરિણામ મેળવ્યું છે. મિત્રો, શાળાના શિક્ષકો બધાએ અમને ખુબ સપોર્ટ કર્યો. જ્યારે પરીક્ષા શરૂ હતી ત્યારે એક્ઝામ સેન્ટરે જઈને પણ બધા શિક્ષકોએ હિંમત્ત આપી, હું એ બધાનો આભાર વ્યક્ત કરું છું.