માઉન્ટ આબુ (ભવર મીણા) : વાદળછાયા વાતાવરણ બાદ કાતિલ ઠંડીએ લોકોને ઠુઠવી નાખ્યા છે. તો વળી હવામાન વિભાગ દ્વારા હજી બે થી ત્રણ દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહે તેવી આગાહી આપવામાં આવી છે. માઉન્ટ આબુમાં ત્રીજા દિવસે પણ લઘુત્તમ તાપમાન માઇનસમાં રહેતા સર્વત્ર બરફની સફેદ ચાદર જોવા મળી હતી.
રાજ્ય ભરમાં કાતિલ ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવતા લોકો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા છે. તો વળી દિવસ ભર ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસથી શૂન્ય ડીગ્રીથી ઓછું છે.
લઘુત્તમ તાપમાન નોંધાતા ખુલ્લા મેદાનો, બાગબગીચા સહિત ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફની ચાદર જોવા મળી રહી છે. મંગળવારે માઉન્ટ આબુના ગુરુશીખર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન માઇનસ 5 તો વળી શહેરી વિસ્તારોમાં માઇનસ 2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.